Top In Ahmedabad

પૂર્વ અમદાવાદમાં અસામાજીક તત્વો બેફામ:ખોખરા વિસ્તારમાં મોડી રાત્રે એક્ટિવા પર જતા બે યુવક પર 6 લોકોએ ઘેરીને તેમની પર જીવલેણ હુમલો કર્યો

પૂર્વ અમદાવાદમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે. ખોખરા વિસ્તારમાં ગત 17 માર્ચ ની મોડી રાત્રે એક્ટિવા પર જતા બે યુવક પર 6 લોકોએ ઘેરીને તેમની પર જીવલેણ હુમલો કર્યો. જેમાં પ્રથમ ઉર્ફે ભોલુ નામના યુવકને પેટની પાછળના ભાગમાં છરી મારવામાં આવી જ્યારે અન્ય એક યુવક યશવંત પરીહાર ભાગવામાં સફળ રહ્યો. આ હુમલો જુની કોઈ અંગત અદાવતમાં કરવામાં આવ્યો હોઈ શકે છે. ફરીયાદીએ ખોખરા પોલીસમાં લખાવેલી ફરીયાદ મુજબ 17 માર્ચ મંગળવારની રાત્રે યશવંત તેના મિત્ર ભોલુ સાથે એક્ટિવા પર ખોખરા સર્કલ પાસે આવેલા સોની બજારથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની પાછળથી આવતા કેટલાક લોકોએ તેમને ચાલુ એક્ટિવાએ પટ્ટો મારીને નીચે પાડી દીધા હતા. બન્ને યુવક નીચે પડ્યા ત્યારે બન્ને ઉભા થઈને અલગ અલગ દીશામાં ભાગ્યા હતા જેમાં યશવંત ઉભો થઈને ખોખરા સર્કલ તરફ ભાગ્યો હતો જ્યારે ભોલુ બાલભવન તરફ ભાગ્યો હતો. યશવંતે થોડા આગળ જઈને ભોલુના પિતાને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરતા ભોલુના પિતા અને અન્ય માણસો ખોખરા સર્કલ પહોંચી ગયા હતા. પછી બધાએ થોડા આગળ જઈને બાલભવન બાજુ જતા જોયુ તો એક ટોળુ વળીને ઉભું હતું અને 108 એમ્બુલન્સ પણ ઉભી હતી. ટોળાની અંદર જઈને જોયું તો ભોલુ જમીન પર લોહી નીતરતી હાલતમાં પડ્યો હતો. ભોલુને 6 લોકોએ મળીને અસંખ્ય માર માર્યો હતો જેમાં પેટની જમણી બાજુ પાછળના ભાગે છરી મારવામાં આવી હતી.

ભોલુએ તેના પિતાને સમગ્ર હકીકત જણાવતા કહ્યું કે, અમે એક્ટિવા પર ખોખરા બાજુ જતા હતા. જ્યાં બાલભવન પાસે પહોંચતા કેટલાક લોકો અમારી પાછળ બાઈક લઈને આવ્યા અને અમને નીચે પાડીને મને ગડદાપાટુનો માર મારવા લાગ્યા, બીભસ્ત ગાળો બોલીને જાનથી મારી નાખવાના ઈરાદે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. જેમાં નિરંજન ચૌહાણ નામના વ્યક્તિએ પોતાની પાસે રહેલી છરી કાઢીને મારા પેટની જમણી બાજુ પાછળના ભાગે મારી દીધી અને અન્ય આરોપીઓએ ડાબા પગે ઢીંચણના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગડદા પાટુનો માર માર્યો. આ દરમિયાન ભોલુએ બુમાબૂમ કરતા તમામ આરોપીઓ ત્યાંથી નાસી છુટ્યા હતા. આ સમગ્ર બનાવને લઈને ભોલુ અને તેના મિત્ર યશવંતે ખોખરા પોલીસ સ્ટેશનમાં કુલ 6 લોકો સામે હત્યાના પ્રયાસની FIR દાખલ કરાવી છે. જેમાં નિરંજન ચૌહાણ, સાહીલ મનોજ પરીહાર, સૌરવ ઠાકુર, સતીશ પાંડે, જયસિંગ લાલસિંગ રાજપૂત અને રોહીત ઉર્ફે રાહુલ રાજપૂત સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button