ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં અનાજ ATM અને ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો, મશીનમાંથી મળશે અનાજ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજથી અનાજ ATM અને ડિજિટલ કાર્ડ સિસ્ટમની નવી યોજનાનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. અમદાવાદના રાણીપ, ચાંદલોડિયા અને નારણપુરામાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ નવી સિસ્ટમથી અનાજ વિતરણમાં થતી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર પર લગામ લાગશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું – ગરીબ, અન્નદાતા, મહિલા શક્તિ પર પાયો રચ્યો છે. વડાપ્રધાન કાર્યાલયને PMO નહીં પણ સેવાલય તરીકે ઓળખ આપી. કેન્દ્ર સરકારે લોકોના હિતને ધ્યાનમાં લઈને બજેટ પસાર કર્યું છે. લોકોને શંકા હતા ડિજિટલ પેમેન્ટ કઈ રીતે સફળ થશે? આજે શાકભાજી વેચનારા પણ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે. ગરીબોને આહાર વ્યવસ્થામાં ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવશે. પશુપાલકો, દૂધ ઉત્પાદકોને AIથી જોડીને મોટી ભેટ આપી છે. પૈસા ઉપાડવા બેંકના ATM ઘણા જોયા પણ હવે અનાજના ATM જોવા મળશે. 35 સેકન્ડ્સમાં 25 કિલો અનાજ ATMમાંથી મળશે.
નવી સિસ્ટમ હેઠળ લાભાર્થીઓને અનાજ ATM મશીન દ્વારા અનાજ વિતરણ કરવામાં આવશે. લાભાર્થી પોતાનું ડિજિટલ રેશન કાર્ડ સ્કેન કરશે અને લોકોને મશીનમાંથી 1 કિલોના પેકિંગમાં સીધું અનાજ મળશે. લાભાર્થીને હક મુજબનું પૂર્ણ વજનનું અનાજ મશીનથી મળશે. આ સિસ્ટમમાં કોઈ માનવી હસ્તક્ષેપ નહીં હોવાથી તોલમાં ગેરરીતિ કે કાપકૂપ થવાની શક્યતા નહીં રહે.
હાલ અમદાવાદના રાણીપ, ચાંદલોડિયા અને નારણપુરામાં આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા પછી આ યોજનાને ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં લાગૂ કરવામાં આવશે. આ યોજના અનાજ વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવશે અને લાભાર્થીઓને તેમનો હક મળવાની ખાતરી થશે.




