World

અમેરિકી સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યો છતાં ભારતે ભરવો પડશે આટલો ટેરિફ, જાણો કેમ

ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના ટેરિફ હથિયાર પર ખુબ ઘમંડ હતું અને આ હથિયારના દમ પર તેઓને એવું લાગતું હતું કે તે દુનિયાને નતમસ્તક કરવામાં સફળ થયા છે. હવે અમેરિકાની સર્વોચ્ચ અદાલતે ટ્રમ્પના આ જ કારગર હથિયારને તેમની પાસેથી જાણે ઝૂંટવી લેતા ટ્રમ્પ બેબેકળા થયા છે. કોર્ટના આ ચુકાદા સામે ટ્રમ્પે નારાજગી પણ વ્યક્ત કરી. આ બધા વચ્ચે ટ્રમ્પે ભારત સાથેના વેપારી સંબંધો ઉપર પણ મોટું નિવેદન આપ્યું. આ સાથે હવે ભારત પર કેટલો ટેરિફ લાગશે તે પણ જાણી લો.

ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ છે તેમાં 18 ટકા ટેરિફ નક્કી થયો હતો પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ રેસિપ્રોકલ ટેરિફ તો અમાન્ય થઈ ગયો. પરંતુ ટ્રમ્પે જે ગ્લોબલ ટેરિફ લગાવ્યો તે લાગૂ રહેશે. એટલે કે હવે ભારત પર 18 ટકા ટેરિફ નહીં પરંતુ 10 % ટેરિફ લાગશે. અમેરિકી પ્રશાસને સ્પષ્ટ કર્યું કે ટ્રેડ ડીલ કરી ચૂકેલા કે તેના પર સહમતિ બનાવી ચૂકેલા તમામ દેશો પર હવે એક સરખો એટલે કે 10 ટકા ટેરિફ જ લાગશે. ટ્રમ્પે જે નવો ગ્લોબલ ટેરિફનો આદેશ બહાર પાડ્યો ત્યારબાદ ભારતે અસ્થાયી રીતે 10 ટકા ટેરિફ ભરવો પડશે. આ નવો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલા રદ કરાયેલા IEEPA પર આધારિત ટેરિફની જગ્યા લેશે. વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે હમણા રદ કરાયેલા ટેરિફની જગ્યા લેશે.

પહેલા કહ્યું હતું કોઈ જ ફેરફાર નહીં થાય- ટ્રમ્પ
અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ ટ્રમ્પે કહી દીધુ હતું કે ભારત સાથે હાલમાં જ જે ટ્રેડ ડીલ થઈ તેમાં કોઈ ફેરફાર થશે નહીં. ટ્રમ્પે કહ્યું કે કઈ બદલાશે નહીં, ભારત અમને ટેરિફ આપતું રહેશે પરંતુ અમે તેમને કોઈ ટેરિફ નહીં આપીએ. ટ્રમ્પે પીએમ મોદી સાથેના સંબંધોને શાનદાર ગણાવતા કહ્યું કે અગાઉમાં ભારત વેપાર મામલે અમેરિકાનો ફાયદો ઉઠાવતું હતું, જેને હવે તેમણે બદલી નાખ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, પીએમ મોદી એક મહાન વ્યક્તિ છે પરંતુ તેઓ વેપારી સોદા મામલે ગત અમેરિકી નેતૃત્વથી અનેક ગણા ચતુર હતા. તેમણે અમને ખુબ નુકસાન પહોંચાડ્યું, આથી અમે તેમની સાથે એક નવી ડીલ કરી. હવે સ્થિતિઓ બદલાઈ ગઈ છે.

ટ્રમ્પે આ સાથે એવો પણ દાવો કર્યો હતો કે તેમના કહેવા પર ભારતે રશિયન ઓઈલની ખરીદી ઘટાડી છે. તેમણે કહ્યું કે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદતું હતું પરંતુ મારા કહેવા પર તેમણે પીછેહટ કરી કારણ કે અમે આ ભયાનક યુદ્ધ બંધ કરવા માંગીએ છીએ. જેમાં દર મહિને 25000 લોકો માર્યા જાય છે. ટ્રમ્પે તેને પોતાની કૂટનીતિક જીત પણ ગણાવી દીધી.

અમેરિકાના આ વલણ અને કોર્ટના ચુકાદા બાદ હવે ભારતમાં વળી પાછું રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમંબરમે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સવાલ કર્યો કે જો અમેરિકી કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યો છે તો ભારત અને અમેરિકાએ એપ્રિલ 2025 પહેલાની સ્થિતિ પર પાછું ફરવું જોઈએ. આવામાં અમેરિકાએ ભારત પાસેથી અનેક છૂટછાટ તો લઈ લીધી પરંતુ બદલામાં ભારતને શું મળ્યું? ભારતે અમેરિકા પાસેથી 500 અબજ ડોલરનો સામાન ખરીદવાનો અને રશિયન ઓઈલ ન ખરીદવાનું જે વચન આપ્યું છે તેના પર હવે સરકારનું શું વલણ છે?

તેમણે એમ પણ કહ્યું કે બંનેના જોઈન્ટ સ્ટેટમેન્ટમાં અમેરિકાથી આવનારા ઘણા સામાન પર ઝીરો ટેરિફની વાત કરી છે જ્યારે ટ્રમ્પ કહે છે કે ભારતે અમેરિકી સામાન પર ટેરિફ તો આપવો જ પડશે. હાલમાં વોશિંગ્ટનમાં જે ભારતીય ટીમ હાજર છે તેમણે આ સંધિના પ્રભાવ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. કારણ કે આ ડીલ ભારતના હિતો વિરુદ્ધ લાગી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button