ગુજરાતમાં 5.5 લાખ દીકરીઓને અપાશે મફત સર્વાઈકલ કેન્સરની વેક્સિન, આરોગ્ય મંત્રીનું એલાન

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે દીકરીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાસ્તવમાં રાજ્યમાં આશરે 5.5 લાખ દીકરીઓને સર્વાઈકલ કેન્સર સામે સુરક્ષા આપવા માટે મફતમાં રસી આપવામાં આવશે. આ અંગે જાહેરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરીયા દ્વારા વિધાનસભામાં કરવામાં આવી હતી. આ અભિયાનનો દેશવ્યાપી શુભારંભ આજે વડાપ્રધાન PM મોદી દ્વારા કરવામાં આવશે. રાજ્ય સ્તરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરાવશે.
સર્વાઈકલ કેન્સર મહિલાઓમાં થતો એક ગંભીર રોગ છે, જે ખાસ કરીને HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) ના કેટલાક પ્રકારો ખાસ કરીને HPV 16 અને HPV 18ને કારણે થાય છે. આ રસી સમયસર અપાય તો ભવિષ્યમાં કેન્સરનો ખતરો ઘણો ઓછો થઈ શકે છે.
આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે દેશભરમાં 79 હજારથી વધુ સર્વાઈકલ કેન્સરના કેસ નોંધાયા હતા, જ્યારે લગભગ 34 હજાર મહિલાઓએ આ રોગના કારણે જીવ ગુમાવ્યો હતો. આ આંકડા દર્શાવે છે કે, સમયસર રસીકરણ અને જાગૃતિ કેટલી જરૂરી છે.
રાજ્યની આશરે 5.5 લાખ કિશોરીઓને આ મફત રસી આપવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય એ છે કે, આ અભિયાન દ્વારા દીકરીઓને ભવિષ્યમાં ગંભીર બીમારીથી બચાવી શકાય અને આરોગ્યપ્રદ સમાજનું નિર્માણ થાય. આ પહેલ માત્ર આરોગ્ય ક્ષેત્રમાં જ નહીં પરંતુ મહિલાઓના સશક્તિકરણ તરફ પણ એક મોટું પગલું છે. રસીકરણથી માતા-પિતામાં જાગૃતિ વધશે અને દીકરીઓના આરોગ્ય પ્રત્યે વધુ જવાબદારી ઉભી થશે.




