પાવાગઢમાં ગુડ્સ રોપ વે તૂટતા 6નાં મોત:સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી


પંચમહાલમાં મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટતાં 6 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી છે.

પંચમહાલમાં જિલ્લાના પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાવાગઢ પર્વત ઉપર સામાન લઈ જતી લીફ્ટ- રોપ વેનું દોરડું તૂટી જતાં આ દુર્ઘટના સર્જાઇ છે. લીફ્ટમાં સામાન લઈ જવાઈ રહ્યો હતો. આ દરમિયાન દુર્ઘટના સર્જાતા 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે.
પાવાગઢના માંચીથી નિજ મંદિર સુધી બાંધકામ માટેની સામગ્રી ગુડ્સ રોપ-વે દ્વારા લઈ જવામાં આવી રહી હતી, આ દરમિયાન રોપવેનો તાર તૂટી જતાં દુર્ઘટના સર્જાઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાવાગઢ આવ્યા ત્યારે મંદિર સુધી જવા આવવા રોપવેના આ સેટઅપનો જ ઉપયોગ કરાયો હતો.




