‘નયન 38 મિનિટ સુધી…’, સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ


અમદાવાદની સેવનથ ડે સ્કૂલમાં વિદ્યાર્થીનીની હત્યાએ સમગ્ર રાજ્યને ઝંકારી ઉઠાવ્યું છે. દુઃખદ ઘટનાને પગલે રાજ્યભરમાં ન્યાય માટે અવાજ ઉઠી રહ્યો છે અને શિક્ષણ તંત્ર સજાગ બન્યું છે. ત્યારે આ મામલે એક મોટો ખુલાસો થયો છે.
અમદાવાદના ખોખરામાં આવેલ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે વિદ્યાર્થી ઇજાગ્રસ્ત હાલતમાં લગભગ 38 મિનિટ સુધી સ્કૂલના કેમ્પસમાં ઢળી પડ્યો હતો, છતાં સ્કૂલ તંત્રએ કોઈ પગલાં લીધા નહોતા.
મળતી માહિતી મુજબ, સ્કૂલના સિક્યુરિટી ગાર્ડે આ બનાવ અંગે સ્કૂલ સંચાલકને જાણ કરી હતી, પરંતુ સ્કૂલ તંત્રે તાત્કાલિક સારવાર માટે કોઈ કાર્યવાહી કરી નહોતી. જેના કારણે વિદ્યાર્થીની હાલત વધુ ગંભીર બની હતી અને તેનું મોત નિપજ્યું. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે CCTV ફૂટેજમાં આ બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. હવે કોર્ટની મંજૂરી બાદ સ્કૂલ તંત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવાશે.હોસ્પિટલના રિપોર્ટ મુજબ, જ્યારે વિદ્યાર્થીને હોસ્પિટલમાં લવામાં આવ્યો ત્યારે તેની હાલત અત્યંત ગંભીર હતી. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીની પલ્સ અને બ્લડ પ્રેશર રેકોર્ડ થતું નહોતું અને શરીર ઠંડું પડી ગયું હતું. રિપોર્ટમાં આ પણ જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીના પેટના નાભીના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેના કારણે અંદર ભારે લોહી જમા ગયું હતું.
ડૉક્ટરોનું કહેવું છે કે પ્રાથમિક સારવાર દરમ્યાન વિદ્યાર્થીની આંખો કોઈ રીએક્શન આપતી નહોતી અને સતત લોહી વહી જતા તેને 6 બોટલ બ્લડ ચઢાવવું પડ્યું હતું. તેમ છતાં, ઇજાઓ અત્યંત ગંભીર હોવાથી રાત્રે 2.50 વાગ્યે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
તપાસમાં આ મહત્વનો મુદ્દો પણ બહાર આવ્યો છે કે જો વિદ્યાર્થીને સમયસર હોસ્પિટલમાં લવાયો હોત તો તેનો જીવ બચાવી શકાય તેમ હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચ સ્કૂલ તંત્રની બેદરકારીને ગંભીરતાથી લઈ રહી છે અને કોર્ટની મંજૂરી બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. સાથે ક્રાઈમ બ્રાન્ચ BNSની નવી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે..




