આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર


આણંદ જિલ્લાના વાસદમાં 4 વર્ષની માસૂમ બાળકીના અપહરણ, દુષ્કર્મ અને હત્યાના જઘન્ય ગુનાના મુખ્ય આરોપી સુરેશ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. આરોપી સુરેશ પરમારની ધરપકડ બાદ વાસદ લાવતી વખતે આરોપીએ પોલીસ પર ચાકુથી હુમલો કર્યો હતો. પોલીસની સમજાવટ છતા ન માનતા પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. કરમસદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરોપીનું મોત થયું હતું. આરોપીને ધરપકડ બાદ વાસદ લાવવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે પોલીસ પર ચાકુથી હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીને રોકવા માટે ચેતવણી આપી હતી, પરંતુ તે ન માનતાં નાછૂટકે ફાયરિંગ કરવું પડ્યું હતું. ઘાયલ હાલતમાં આરોપીને કરમસદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. હુમલામાં ઘાયલ થયેલા બે પોલીસ જવાનોની સારવાર ચાલી રહી છે.
આ સમગ્ર ઘટનાએ આણંદ સહિત સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી સુરેશ પરમારે વાસદ રેલવે સ્ટેશનની ટિકિટ બારી પાસેથી 4 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેણે બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી હતી અને પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહને રેલવે ટ્રેક પર ફેંકી દીધો હતો. બાદમાં ટ્રેન નીચે કચડાઈ જતાં બાળકીનું કરુણ મોત થયું હતું. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સુરેશ પરમારની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને પોલીસ વાનમાં બેસાડી વાસદ તરફ લાવવામાં આવી રહ્યો હતો ત્યારે કંટારિયા-આસોદર વચ્ચે તેણે ઊલટી થવાનું બહાનું બતાવી વાહન ઉભું રખાવ્યું હતું. પોલીસે તેને નીચે ઉતારતા જ આરોપીએ અચાનક ચાકુ કાઢીને પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. હુમલામાં રાજવીરસિંહ અને મહિપાલસિંહ નામના બે પોલીસ જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ આરોપીએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે આરોપીને વારંવાર રોકાવા માટે ચેતવણી આપી હતી, પરંતુ તે હુમલો કરીને ભાગતો રહેતાં પોલીસે નાછૂટકે તેના પર ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતા આરોપી ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને તેમજ ઈજાગ્રસ્ત બંને પોલીસ જવાનોને તાત્કાલિક કરમસદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કરમસદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુરેશ પરમારનું મોત થયું હતું, જ્યારે હુમલામાં ઘાયલ થયેલા બંને પોલીસકર્મીઓની સારવાર ચાલુ છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને એન્કાઉન્ટરની ઘટનાની પણ નિયમ મુજબ તપાસ કરવામાં આવશે.
પોલીસ તપાસ મુજબ સુરેશ પરમાર વિકૃત માનસિકતા ધરાવતો હતો અને તેના વિરુદ્ધ અગાઉ પણ દુષ્કર્મના ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. એટલું જ નહીં, અગાઉના કેસોમાં તે જામીન પર છૂટીને બહાર આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર સુરેશ પરમાર સામે અગાઉ બે વખત બળાત્કારના ગુના નોંધાઈ ચૂક્યા હતા. તેમાં એક કેસમાં તેણે વૃદ્ધા સાથે પણ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ગંભીર ગુનાઓનો ઈતિહાસ ધરાવતા હોવા છતાં સુરેશ જામીન પર બહાર આવ્યો હતો. હવે 4 વર્ષની માસૂમ બાળકી સાથેના ગુનાએ સમગ્ર રાજ્યમાં ભારે રોષ ફેલાવ્યો છે.




