અંતે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ફાઇનલ! જગદીશ વિશ્વકર્મા સિવાય કોઇએ ન ભર્યું ઉમેદવારી ફોર્મ


છેલ્લા ઘણા સમયથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂંકને લઈ ચાલી રહેલ અટકળોનો અંત આવ્યો છે. નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ 12.39 ના વિજય મુર્હતમાં ફોર્મ ભર્યું હતું. એક જ ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી બિનહરીફ થાય તેવા એંધાણ છે. પ્રદેશ પ્રમુખના પદ માટે એક જ ફોર્મ ભરાય તેવી પૂરે પૂરી શક્યતાઓ છે. જગદીશ વિશ્વકર્મા નવા પ્રદેશ પ્રમુખ તરીકે લગભગ નક્કી છે. મંત્રી જગદીશ વિશ્વકર્મા 10 ટેકેદારો સાથે દાવેદારી નોંધાવશે. પ્રદેશ પ્રમુખ તરીકે obc નેતાને જવાબદારી મળશે. નવા પ્રદેશ પ્રમુખની ઔપચારિક જાહેરાત આવતીકાલે કરવામાં આવશે.
12 ઓગસ્ટ અને 1973માં જન્મેલા જગદીશ વિશ્વકર્માએ 1998માં અમદાવાદના ઠક્કરબાપા નગરમાં બૂથ ઇનચાર્જ તરીકે પહેલી વખત મહત્વનો હોદો સંભાળ્યો હતો. આ પછી તેઓ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પણ બન્યા હતા. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે બજાવેલી કામગીરીની પક્ષે તેમની નોંધ લેવાઈ હતી. આ પછી તેમને ભાજપના ઉદ્યોગ સેલના સંયોજક બનાવવામાં આવ્યા હતા.
જગદીશ વિશ્વકર્મા ભાજપના કદાવર નેતા છે. હાલમાં તેઓ રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સહકાર , લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો , કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્ત્વના વિભાગોનો સ્વતંત્ર હવાલો સંભાળે છે. જગદીશ વિશ્વકર્મા અમદાવાદના નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય છે, અને તેમણે ભૂતકાળમાં અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ સંગઠનમાં યોગદાન આપેલું છે.
ગુજરાતની રાજનીતિમાં જગદીશ વિશ્વકર્મા એક જાણીતું નામ છે. તેઓ માત્ર એક ધારાસભ્ય જ નહીં, પણ ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રે એક અગત્યનો ચહેરો બનીને ઉભર્યા છે.
જગદીશ વિશ્વકર્મા (જગદીશ પંચાલ) તરીકે પણ ઓળખાય છે. ગુજરાતના અમદાવાદ વિસ્તારમાંથી આવે છે. તેઓ ન માત્ર સંગઠનાત્મક કુશળતા ધરાવે છે, પણ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પણ તેમની મજબૂત પકડ છે.
દરેક ચૂંટણીમાં ઉમેદવારો સોગંદનામામાં તેમની સંપત્તિની વિગતો નોંધાવે છે, એટલે જગદીશ વિશ્વકર્માએ તેમના ચૂંટણી સોગંદનામામાં 29 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે. આ આંકડો તેમને અમદાવાદના સૌથી ધનિક ધારાસભ્ય બનાવે છે.જગદીશ વિશ્વકર્માનો વ્યવસાય ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ, ડેવલપર્સ અને ઇન્ફ્રા માર્કેટિંગ સાથે સંબંધિત છે.રાજકારણની સાથે તેમનો મુખ્ય વ્યવસાય ટેક્સટાઈલ મશીનરી મેન્યુફેક્ટરિંગનો છે. આર્થિક મોરચે, તેઓ અમદાવાદના સૌથી ધનીક ધારાસભ્યો પૈકીના એક છે. જગદીશ વિશ્વકર્મા રાજકીય સંગઠન, સરકારી કામકાજ અને સામાજિક પ્રભાવનું એક ઉત્તમ સમન્વય છે, જે તેમને ગુજરાતની રાજનીતિમાં એક મજબૂત આધારસ્તંભ બનાવે છે. તેમણે SY B.A., MBA ઇન માર્કેટીંગનો અભ્યાસ કરેલો છે. તેઓ વાંચન-સ્વિમિંગ, બેડમિન્ટનનો શોખ ધરાવે છે.




