અમદાવાદના AMC કમિશનરે અધિકારીઓને તતડાવ્યા, કહ્યું એક અઠવાડિયામાં રખડતા ઢોર પકડો નહીં તો…


અમદાવાદના વિવિધ રોડ ઉપર રખડતા પશુઓને લઈ ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહીતની અરજીની સુનવણી ચાલી રહી છે.હાઈકોર્ટના આદેશની વચ્ચે મ્યુનિસિપલ કમિશનરે બુધવારે મળેલી અધિકારીઓ સાથેની બેઠકમાં એક સપ્તાહમાં વિવિધ રોડ ઉપર રખડતા પશુઓ પકડવા ઉપરાંત જરુર જણાય તો પશુપાલકોને કોર્પોરેશન તરફથી આપવામા આવેલા લાઈસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવા સુચના આપી હોવાનુ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે.બીજી તરફ સત્તાધારી પક્ષના જ અમુક કોર્પોરેટર દ્વારા તેમના વોર્ડમાં રખડતા પશુઓ પકડવા જતી ટીમને રખડતા પશુઓ નહીં પકડવા દબાણ કરાતુ હોવાનુ સામે આવ્યુ છે.
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુલાઈ-૨૦૨૩થી કેટલ ન્યુસન્સ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ પોલીસી અંતર્ગત રખડતા પશુઓને લઈ કામગીરી કરવામા આવી રહી છે.દરમિયાન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શહેરના વિવિધ રોડ ઉપર રખડતા પશુઓને પકડવાની ઢોર ત્રાસ અંકુશ વિભાગની કામગીરીને લઈ સખત નારાજગી વ્યકત કરી હતી.વિભાગના ઉપરી અધિકારીને તેમણે એક સપ્તાહમાં તમામ જાહેર રસ્તા ઉપરથી રખડતા પશુઓ પકડવા ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં પશુઓને રાખવા માટેના વાડાઓ જો ગેરકાયદેસર જણાય તો તે વાડાઓ પણ તોડી નાંખવાનો આદેશ આપ્યો હતો.
રોડ ઉપર રખડતા પશુઓ પકડવા અને નહીં પકડવાની બાબતને લઈ ઢોર ત્રાસ અંકુશ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ અટવાઈ પડયા છે. કમિશનરની રોડ ઉપર રખડતા પશુઓ પકડવાની સુચનાનો અમલ કરવા જાય છે તો સામે સત્તાધારી ભાજપના જ અમુક કોર્પોરેટર જો તેમનાવોર્ડમાં રખડતા પશુઓ પકડવાની કામગીરી કરાશે તો પરિણામ સારુ નહીં આવે એવી ગર્ભિત ચિમકીઓ પણ આપતા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે.આ પરિસ્થિતિમાં વિભાગના અધિકારીઓ પણ શું કરવું અને ના કરવું તેની મૂંઝવણમાં જોવા મળી રહયા છે.
બુધવારે કોર્પોરેશનની હેલ્થ અને સોલિડ વેસ્ટ કમિટીની બેઠક પણ મળી હતી. આ બેઠકમાં શહેરના વિવિધ રોડ ઉપર રખડતા જોવા પશુઓ સી.એન.સી.ડી.વિભાગ દ્વારા પકડવામા નહીં આવે તો હવે પછી મળનારી હેલ્થ કમિટીની બેઠકમાં વિભાગના ઉપરી અધિકારી સામે ઠપકાની દરખાસ્ત લાવવા સુચના અપાઈ હોવાનુ કમિટીના ચેરમેન જશુભાઈ ચૌહાણે સ્વીકાર્યુ હતુ.




