IND vs WI પ્રથમ ટેસ્ટ: અઢી દિવસમાં જ પહેલી મેચ જીત્યું ભારત, અમદાવાદમાં કેરેબિયન ટીમનો સફાયો


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતનો વિજય થયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જ ભારતે આ મેચ પોતાના નામે કરી છે. ટી બ્રેક પહેલા જ આ મેચ ભારતના ખોળામાં ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ તેની બીજી ઈનિંગમાં ઓલઆઉટ થઈ જતા ભારત આ મેચ એક ઇનિંગ અને 140 રનથી જીતી ચૂક્યું છે. આ સાથે ભારત સિરિઝમાં 1-0થી આગળ છે. હવે બીજી ટેસ્ટ મેચ દિલ્હીમાં 10થી 14 ઓક્ટોબર દરમિયાન રમાશે.
અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝની બીજી ઇનિંગમાં ઓલરાઉન્ડર જાડેજાનો ફૂલ પાલર જોવા મળ્યો હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝના બેટર્સને બરાબરના હંફાવ્યા હતા અને સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. સિરાજને પણ 3 વિકેટ મળી હતી. કુલદીપને 2 અને વોશિંગ્ટન સુંદરને 1 વિકેટ લેવામાં સફળતા મળી હતી. જો કે, વેસ્ટ ઈન્ડિઝની બંને ઈનિંગ મળીને સૌથી વધુ 7 વિકેટ સિરાજને ફાળે ગઈ છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની એકમત્ર ઈનિંગમાં કેએલ. રાહુલ, ધ્રૂવ જુરેલ અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. જેમાં સૌથી વધુ જુરેલે 125 રન બનાવ્યા હતા. રાહુલે 100 અને જાડેજાએ 104 રન રન બનાવ્યા હતા.
ભારતની વિશાળ લીડ સામે વેસ્ટ ઈન્ડિઝ ના ટકી શક્યું
વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 162 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ભારતીય ટીમે કે એલ રાહુલ, જુરેલ અને જાડેજાની શતકના આધારે 448 રનનો વિશાળ સ્કોર ખડકીને ઈનિંગ ડિક્લેર કરી હતી, અને વેસ્ટ ઈન્ડિઝને 260 રનની જંગી લીડ આપી હતી. આજે 4 ઓક્ટોબરે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટી બ્રેક પહેલા જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માત્ર 146 રન જ બનાવી શકી હતી.




