આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ, રાજ્યમાં 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે ધો. 10-12ની Exam


રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કુલ 5.27 લાખ વિદ્યાર્થીઓ આ મહત્વપૂર્ણ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. પરીક્ષાનું આયોજન રાજ્યના 1 હજાર 701 કેન્દ્રો પર કરવામાં આવ્યું છે. જ્યાં સુચારૂ આયોજન સાથે પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓ નિર્ભય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાની પરીક્ષા આપી શકે.
રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. કુલ 15.27 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ મહત્વપૂર્ણ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. રાજ્યના 1701 પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10 માટે કુલ 1006 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જ્યારે ધોરણ 12 માટે 695 કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. ધોરણ 12ના સામાન્ય પ્રવાહ માટે 539 કેન્દ્રો અને વિજ્ઞાન પ્રવાહ માટે 156 કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે અને શાળાઓ તથા વાલીઓ દ્વારા પણ જરૂરી માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવી રહ્યો છે.પરીક્ષા પ્રક્રિયા પારદર્શક અને નકલમુક્ત રહે તે માટે બોર્ડ દ્વારા સઘન વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રોની બિલ્ડિંગ CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવી છે જેથી ગેરરીતિ પર નજર રાખી શકાય. રાજ્યમાં SSC માટે કુલ 87 ઝોન અને HSC માટે 59 ઝોનની રચના કરવામાં આવી છે. જેથી સંચાલન સરળતાથી થઈ શકે. અધિકારીઓ દ્વારા નિયમિત મોનીટરીંગ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સમયસર કેન્દ્ર પર પહોંચવા અને નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
બોર્ડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નકલ કે અન્ય ગેરરીતિમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓને 1 થી 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે. બીજી તરફ, દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં એક કલાકનો વધારાનો સમય આપવામાં આવશે જેથી તેઓ સમાન તક સાથે પરીક્ષા આપી શકે. બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ સંપૂર્ણ તૈયારી સાથે આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપવાની અપીલ કરવામાં આવી છે.




