દિલ્હીમાં કૃત્રિમ વરસાદ માટે કાનપુરથી એરક્રાફ્ટ રવાના, પર્યાવરણ મંત્રીએ બતાવી સ્થિતિ


દિલ્હીમાં પ્રદૂષણથી રાહત મેળવવા માટે કૃત્રિમ વરસાદની રાહ પૂરી થવા આવી છે. IIT કાનપુરનું સેસ્ના વિમાન આજે બપોરે કાનપુરથી મેરઠ માટે ઉડાન ભરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિમાન આગામી એક કલાકમાં મેરઠ પહોંચી જશે. જો હવામાન અનુકૂળ રહેશે તો આજે જ વાદળ સીડિંગ શરૂ થઈ શકે છે. આ દિલ્હી-NCR માં કૃત્રિમ વરસાદનું પ્રથમ પરીક્ષણ છે.
કાનપુરથી વિમાન ઉડાન ભરે તે પહેલાં દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ જાહેરાત કરી હતી કે, વિમાન આવતાની સાથે જ પરીક્ષણ શરૂ કરવામાં આવશે. હવે જ્યારે વિમાન ઉડાન ભરી ચૂક્યું છે તો વાદળ સીડિંગની શક્યતા લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
IIT કાનપુરે જણાવ્યું કે, હવામાન ચોખ્ખું થતાં જ સેસ્ના વિમાને કાનપુરથી મેરઠ માટે ઉડાન ભરી લીધી છે. કાનપુરમાં ટેકઓફ પહેલાં દૃશ્યતા 2000 મીટર હતી, જ્યારે ઉડાન માટે ન્યૂનતમ 5000 મીટર જરૂરી છે. દિલ્હીમાં પણ દૃશ્યતા ઓછી છે, પરંતુ હવામાન ચોખ્ખું થતાં જ વિમાન દિલ્હીના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ક્લાઉડ સીડિંગ માટે IIT કાનપુર એરસ્ટ્રીપથી રવાના થશે.
ભારતીય હવામાન વિભાગે 28થી 30 ઓક્ટોબર દરમિયાન યોગ્ય વાદળો બનવાની આગાહી કરી છે. જો બધું બરાબર રહ્યું, તો ૨૯ ઓક્ટોબરે દિલ્હીમાં પહેલો કૃત્રિમ વરસાદ જોવા મળશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગયા અઠવાડિયે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, જો પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે, તો દિલ્હીમાં પહેલો કૃત્રિમ વરસાદ થશે.
કયા રસાયણોનો ઉપયોગ થાય છે?
ક્લાઉડ સીડિંગ એ હવામાન સુધારણા તકનીક છે. સૌથી સામાન્ય રસાયણ સિલ્વર આયોડાઇડ છે, જે બરફના સ્ફટિકો બનાવે છે. અન્યમાં પોટેશિયમ આયોડાઇડ, સૂકો બરફ (ઘન કાર્બન ડાયોક્સાઇડ) અને પ્રવાહી પ્રોપેનનો સમાવેશ થાય છે. આ રસાયણો વાદળોમાં છાંટવામાં આવે છે, જે કૃત્રિમ વરસાદની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. જો કે, તે મોટી માત્રામાં ઝેરી હોઈ શકે છે. આ રસાયણો વિમાનમાંથી છંટકાવ કરવામાં આવે છે.
દિલ્હી સરકારે ૭ મેના રોજ કેબિનેટની બેઠકમાં આ પ્રોજેક્ટ માટે રૂ. ૩.૨૧ કરોડ મંજૂર કર્યા હતા. ૨૫ સપ્ટેમ્બરે IIT કાનપુર સાથે એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે હેઠળ ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં પાંચ ટ્રાયલ કરવામાં આવશે.




