GUJARAT

શું ગુજરાતમાં ફરી માવઠું થશે? આવી ગઈ અંબાલાલની મોટી આગાહી, જાણો શું કહ્યું

કમોસમી વરસાદે વિરામ લીધા બાદ હવે વરસાદથી થાકી ગયેલા ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં હાલ વરસાદની શક્યતા નહિવત્ હોવાની આગાહી કરી છે. સાથે જ તેમણે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની અને 15 નવેમ્બર સુધીમાં શિયાળુ પાક માટે હવામાન અનુકૂળ થવાની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 15 નવેમ્બર સુધી હવામાન ધીમે ધીમે સુધરતું જશે, જે રવિ પાકો માટે અનુકૂળ રહેશે. ઉત્તર એશિયાના ઠંડા પવનો તથા કેસ્પિયન સમુદ્રના પવનો પાકિસ્તાન થઈ ઉત્તર ભારતમાં આવશે. આ ઠંડા પવનોના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો માહોલ બનશે. આગામી દિવસોમાં રાજ્યમાં હળવા ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે. 15 નવેમ્બર બાદ ઉત્તર ભારતમાં પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે ત્યાં વધુ ઠંડી વધશે.

ગુજરાતનાં હવામાન વિશે આગાહી કરતાં અંબાલાલે જણાવ્યું કે રાજ્યમાં ન્યૂનતમ તાપમાન 17 થી 18 ડિગ્રી સેલ્સિયસ રહેશે. 16 નવેમ્બર બાદ મહત્તમ તાપમાન 31 ડિગ્રી આસપાસ રહેશે. 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. 24 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા છે. બંગાળના ઉપસાગર તરફથી આવતા ભેજના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠા પણ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે.

અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું, “હવે ધીરે-ધીરે ઠંડીની શરૂઆત થશે. રવિ પાકો માટે હવામાન સુધારતું જશે. ઉત્તર ભારતમાં ધુમ્મસ થતું જશે. અને સવારે ઝાકળ થવાની શક્યતા રહેશે. જો કે આ ઝાકળ સરસવ જેવા પાકોને અનુકૂળ ગણાય. પરંતુ હવે ધીરે-ધીરે ઘઉં અને જીરા જેવા મસાલાનાં પાકો લેવામાં આવશે. એટલે તેના માટે હવે ધીરે-ધીરે મોસમ સુધરતી જાય છે, અને લગભગ 7 નવેમ્બર બાદ ન્યુનતમ તાપમાનમાં ઘટાડો થશે અને 15-16 નવેમ્બરથી મહત્તમ તાપમાન વધશે. આમ છતાં ઘઉં અને જીરા માટે સાનુકુળ હવામાન થતું જશે.

ડિસેમ્બરના હવામાન અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. ડિસેમ્બર દરમ્યાન ક્યારેક વાદળછાયું વાતાવરણ રહેશે અને માવઠાની શક્યતા પણ રહેશે. લા નીનોના સંકેતોને કારણે ઠંડી વધુ પડવાની શક્યતા છે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાઓમાં તબક્કાવાર રીતે કમોસમી વરસાદ પણ પડી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button