ઓપરેશન સિંદૂર બાદ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની તૈયારી! ગુપ્તચર રિપોર્ટમાં ખુલાસો

ઓપરેશન સિંદૂર” ના હજુ 6 મહિના પૂરા થયા નથી. તે પહેલા એક ચોંકાવનાર ગુપ્તચર રિપોર્ટ સામે આવ્યો છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો સક્રિય થયા છે. ખાસ કરીને લશ્કર-એ-તૈયબા (LeT) અને જૈશ-એ-મોહમ્મદ (JeM), જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓની નવી લહેર માટે એકત્ર થઈ રહ્યા છે.
22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક ભયાનક આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં પહેલગામના બૈસરન ઘાટીમાં 26 નિર્દોષ પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ હુમલાની જવાબી કાર્યવાહી કરતા ભારતીય સેનાએ 6-7 મેની રાત્રે “ઓપરેશન સિંદૂર” થકી બદલો લીધો હતો.
“ઓપરેશન સિંદૂર” થકી ભારતે પીઓકે અને પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ ઓપરેશનમાં ઓછામાં ઓછા 30 જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ સહિત 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ હુમલામાં ચાર જૈશ-એ-મોહમ્મદ (JeM), ત્રણ લશ્કર-એ-તૈયબા (LeT) અને બે હિઝબુલ મુજાહિદ્દીન (HM) આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. જૈશ અને લશ્કર-એ-તૈયબાના મુખ્યાલયો જમીનદોસ્ત થયા હતા.
હુમલા બાદ, પાકિસ્તાને નિયંત્રણ રેખા (LoC) અને જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી ગોળીબાર કરવાના પ્રયાસો કર્યા. આ ઉપરાંત સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા. આ પછી ભારતે પાકિસ્તાનને વળતો જવાબ આપતા તેના રડાર માળખા, સંદેશાવ્યવહાર કેન્દ્રો અને હવાઈ ક્ષેત્રોને નુકસાન થયું. 10 મેના રોજ, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો.




