બી.આર.ટી.એસ. દ્વારા IND v/s SA T-20 ક્રિકેટ મેચ દરમિયાન મોટેરા સ્ટેડિયમ તરફના મુસાફરો માટે વિશેષ બસ વ્યવસ્થા


અમદાવાદ ખાતે તા. 19/12/2025 (શુક્રવાર)ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર IND v/s SA T-20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને અમદાવાદ જનમાર્ગ લિ. (BRTS) દ્વારા મેચ દર્શકોની સુવિધા માટે વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેચ દરમિયાન મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ તરફ આવનજાવન કરશે તેવા અનુમાનને ધ્યાને લઈ, મોટેરા સ્ટેડિયમ નજીકના વિવિધ વિસ્તારોમાંથી વિશેષ બસ સેવા ઉપલબ્ધ કરાશે.
આ યોજના અંતર્ગત મોટેરા ક્રોસ રોડ, સાબરમતી પોલીસ સ્ટેશન સહિતના સ્થળોથી વધારાની બસ સેવાઓ શરૂ કરવામાં આવશે. કુલ 36 વધારાની બસો મેચના દિવસ દરમિયાન સંચાલિત કરવામાં આવશે, જેમાં સવારના 6:00 કલાકથી રાત્રિના 11:00 કલાક સુધી સેવા ઉપલબ્ધ રહેશે.
આ ઉપરાંત મેચ પૂર્ણ થયા બાદ દર્શકોને મોટેરા સ્ટેડિયમથી વિવિધ વિસ્તારોમાં પહોંચાડવા માટે વધારાની 10 બસો તૈનાત કરવામાં આવશે. જેમાં ઇસ્કોન–વિસત જંકશન, એલ.ડી./નેહરુનગર–વિસત અને અખબારનગર–વિસત જંકશન જેવા મુખ્ય રૂટનો સમાવેશ થાય છે.
મેચના દિવસે ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે ટ્રાફિક પોલીસ, સુરક્ષા અધિકારીઓ તથા સ્વયંસેવકો દ્વારા સંકલિત કામગીરી હાથ ધરવામાં આવશે. આમ, દર્શકોને સરળ, સલામત અને સુવિધાજનક પરિવહન સેવા મળી રહે તે માટે BRTS દ્વારા તમામ જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.


