સુરતની સગીરાનું અમદાવાદની હોસ્ટેલમાંથી યુવાને કર્યું અપહરણ, પિતાએ દાખલ કરી ફરિયાદ


સુરતની 17 વર્ષીય સગીરાનું એક યુવક દ્વારા કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે, જેને પગલે કિશોરીના પિતાએ અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. FIR અનુસાર યુવતી, જેનું નામ રિદ્ધિ (નામ બદલેલું છે) (ઉંમર 17 વર્ષ અને 11 મહિના) છે, તે 14 નવેમ્બરથી ગુમ છે.
સુરતના વરાછાના રહેવાસી અને હીરા ઘસવાનું કામ કરતા જયંતિભાઈ ગોહિલે તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની મોટી દીકરી જે B.Com પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે. તે 14 નવેમ્બરના રોજ અમદાવાદની તેની મહિલા હોસ્ટેલમાંથી બે દિવસની રજાની અરજી આપીને નીકળી હતી.
જયંતિભાઈએ જણાવ્યું કે, તે બપોરે લગભગ 3 વાગ્યે ઘરે હતા, ત્યારે તેમના દીકરીના ફોન પરથી એક કોલ આવ્યો હતો. જો કે, સામે મારી દીકરી નહોતી, પરંતુ એક યુવકે પોતાનો પરિચય ગોપાલ તરીકે આપ્યો અને કહ્યું કે ‘હું ગોપાલ છું અને તમારી દીકરી મારી સાથે છે. અમે ભાગી જઈ રહ્યા છીએ. તમે અમને શોધતા નહીં.’ જ્યારે પિતાએ તેની દીકરી સાથે વાત કરાવવા કહ્યું, ત્યારે કોલ કરનારે તરત જ ફોન કાપી નાખ્યો હતો.ગભરાયેલા જયંતિભાઈએ તરત જ પોતાની પત્ની, નાના ભાઈ મનીષભાઈ અને ભત્રીજા આકાશને જાણ કરી, અને ત્યારબાદ સગીરાની ખબર કાઢવા માટે અમદાવાદમાં રહેતા તેમના સાસરિયાંનો સંપર્ક કર્યો. ત્યારબાદ તેઓ અમદાવાદ આવ્યા અને તેમના સંબંધીઓ પાસેથી જાણવા મળ્યું કે સગીરાએ એક દિવસ પહેલા જ હોસ્ટેલમાં રજા માટે અરજી આપી હતી.પરિવારે સગીરાને અમદાવાદ અને સુરત બંને જગ્યાએ શોધી પરંતુ તે મળી નહોતી.
ઈન્સ્ટાગ્રામ પર થયો હતો પરિચય
FIR મુજબ જયંતિભાઈએ જણાવ્યું કે, યુવક જેની ઓળખ ગોપાલ થોડિયા ( ઉ.વ 19, રહેવાસી વરાછા સુરત) તરીકે થઈ છે. તે એક વર્ષથી તેમની દીકરીના સંપર્કમાં હતો, જ્યારે તેઓ ઇન્સ્ટાગ્રામ પર મળ્યા હતા. ફરિયાદીએ કહ્યું કે પરિવાર તેમના સંબંધોથી વાકેફ હતો અને અગાઉ સગીરાને આ બાબતે સમજાવટ પણ કરી હતી.ગોપાલે સગીરાને કાયદેસર રીતે લગ્નના ઈરાદાથી ‘લલચાવી’ છે. જે ગુનો બને છે, કારણ કે તે હજુ સગીર છે. પોલીસે જણાવ્યું કે ગોપાલને તેના વરાછાના નિવાસસ્થાને શોધવાના પ્રયાસો અસફળ રહ્યા છે.FIRમાં ઉમેરવામાં આવ્યું છે કે સગીરા અમદાવાદની એક કોલેજમાં B.Comનો અભ્યાસ કરતી હતી અને YMCA નજીકની હોસ્ટેલમાં રહેતી હતી. આનંદનગર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને સગીરા અને આરોપીની શોધખોળ શરૂ કરી છે.




