National

ગેંગસ્ટર અનમોલ બિશ્વોઈને અમેરિકાથી ભારત લવાયો, એરપોર્ટ પરથી સીધો કોર્ટમાં લઈ જવાયો

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અને NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ અનમોલ બિશ્નોઈને આખરે ભારત પાછો લાવવામાં આવ્યો છે. અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલ અનમોલને બુધવારે સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતારવામાં આવ્યો.

NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, એરપોર્ટથી સીધો જ તેને પટિયાલા હાઉસ કોર્ટમાં લઈ જવામાં આવશે, જ્યાં કોર્ટમાં તેને હાજર કરવામાં આવશે. અનમોલ બિશ્નોઈ બાબા સિદ્દીકી હત્યાકાંડ, સિદ્ધુ મૂસેવાલા હત્યા અને સલમાન ખાનના ઘરે ગોળીબાર સહિત અનેક હાઇ-પ્રોફાઇલ કેસોમાં આરોપી છે.

અહેવાલો અનુસાર, અનમોલ એપ્રિલ 2022માં નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને ભારતથી ભાગી ગયો હતો. તે નેપાળ, દુબઈ, કેન્યા થઈને અમેરિકા પહોંચી ગયો, તે ત્યાંથી કેનેડા વચ્ચે ફરતો રહેતો હતો. મંગળવારે 18 નવેમ્બર 2025ના રોજ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા અનમોલ બિશ્નોઈને ડિપોર્ટ કરવામાં આવ્યો છે.

NIA ટીમ દ્વારા અનમોલને એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યો. માહિતી પ્રમાણે, પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થયા બાદ NIA તેની કસ્ટડી લેશે. તેની સામે હથિયાર સપ્લાય અને લોજિસ્ટિકલ સપોર્ટના આરોપો સહિત 18 થી વધુ કેસો નોંધાયા છે. NIAના એક અધિકારીએ જણાવ્યું કે, “અનમોલ લોરેન્સ બિશ્નોઈનો મુખ્ય વિદેશી હેન્ડલર હતો. તે એન્ક્રિપ્ટેડ ચેનલો દ્વારા ખંડણી, ધમકીઓ અને અસાઇનમેન્ટનું કામ કરતો હતો. હવે, તેની કસ્ટડીથી ઘણા રહસ્યો ખુલશે.”

અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ દેશભરમાં 32થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાં રાજસ્થાનમાં 20 કેસનો સમાવેશ થાય છે. આ કેસોમાં ખંડણી, અપહરણ, હત્યાનો પ્રયાસ અને લક્ષિત હત્યા જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અનમોલના દેશનિકાલ અને કસ્ટડી માટે બે વાર સત્તાવાર અરજીઓ સબમિટ કરી હતી. તાજેતરમાં, ઇન્ટરપોલે તેના ઓળખ દસ્તાવેજો પણ માંગ્યા હતા, જે મુંબઈ પોલીસે પૂરા પાડ્યા હતા. 14 એપ્રિલ, 2024 ના રોજ અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘરની બહાર થયેલા ગોળીબારના સંદર્ભમાં અનમોલ બિશ્નોઈ પણ વોન્ટેડ છે. તેણે હુમલાની જવાબદારી ઓનલાઈન સ્વીકારી હતી.

12 ઓક્ટોબર 2024ના રોજ બાબા સિદ્દીકીની હત્યા પાછળ અનમોલ બિશ્નોઈ મુખ્ય સૂત્રધાર તરીકે ઉભરી આવ્યો હતો. તપાસ દરમિયાન, પોલીસે ધરપકડ કરાયેલા શૂટરો પાસેથી અનમોલના વોઇસ ક્લિપ્સ સાથે મેળ ખાતી વોઇસ ક્લિપ્સ મેળવી હતી, જેમાં તે હુમલાખોરોને સૂચના આપતો અને ઉશ્કેરતો સાંભળવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button