સુરતમાં લેડી ડોક્ટરે કાફેના 9મા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું, બે મહિના બાદ લગ્ન હતા

સુરતના સરથાણા વિસ્તારમાં 21 નવેમ્બર ગુરુવારે સાંજે એક મહિલાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો. 21 નવેમ્બરની સાંજે લગભગ 7:15 વાગ્યા આસપાસ સરથાણા બિઝનેસ હબની 9મી માળે આવેલા ચાય પાર્ટનર કેફેમાંથી 28 વર્ષીય ફિઝિયોથેરાપી ડોક્ટર રાધિકા જમનભાઈ કોટડીયાએ નીચે કૂદી આપઘાત કરી લીધો હતો. અચાનક બનેલી આ આપઘાતની ઘટનાને લઈને સ્થળ પર હાહાકાર મચી ગયો. પોલીસને માહિતી મળતા જ સરથાણા પોલીસ સ્ટાફ સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી દીધી. હાલ તો આપઘાત કરવાનું કોઈ કારણ સામે આવ્યું નથી.
મળતી માહિતી મુજબ રાધિકા મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભેગડી ગામની વતની હતી અને હાલમાં સરથાણા વિસ્તારમાં વિશ્વા રેસિડેન્સીમાં માતા-પિતા અને એક ભાઈ સાથે રહેતી હતી. તેના પિતા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. રાધિકા સરથાણા જકાતનાકા નજીકના વિકાસ શોપર્સના પહેલા માળે પોતાનું શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી. 21 નવેમ્બરના રોજ પણ તે નિયમિત રીતે સવારે ક્લિનિક ગઈ હતી અને બપોરે જમવા માટે ઘરે આવીને ફરી ક્લિનિક જવા નીકળી ગઈ હતી. સાંજે તેણે ઓફિસ સ્ટાફને ‘હું યોગી ચોક જઈ રહી છું’ કહીને નીકળી ગઈ હતી.
રાધિકાની સગાઈ છ મહિના પહેલાં થઈ હતી અને આવતી 19 ફેબ્રુઆરી 2026ના રોજ તેના લગ્ન થવાના હતા. પરિવારજનોએ જણાવ્યું કે રાધિકા રોજ સવાર-સાંજ પોતાના મંગેતર સાથે વાતો કરતી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે મંગેતર સાથેના કોઈ અણબનાવ અથવા તણાવને કારણે તેણે આ આપઘાતનું પગલું ભર્યું હોઈ શકે છે. માહિતી પ્રમાણે, 21 નવેમ્બરની સાંજે 7:15 વાગ્યાની આસપાસ તે સરથાણા બિઝનેસ હબમાં 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાં ગઈ હતી. કેફેમાં તે કેટલાક મિનિટો બેઠી રહી હતી, ત્યાં અન્ય કપલ્સ પણ હતાં. દરમિયાન તે અચાનક ખુરશી પરથી ઊભી થઈ અને પાળી ઉપર ચડીને નીચે ઝંપલાવ્યું હતું. કંઈક જોરથી પત્કાયાનો અવાજ સાંભળીને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. રાધિકાને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.




