GUJARAT

હવે શાળાની દાદાગીરી નહીં ચાલે! કડકડતી ઠંડી વચ્ચે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

ભરૂચ જિલ્લામાં શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખતાં શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ અને વાલીઓ માટે રાહતરૂપ નિર્ણય જાહેર કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ રંગ, ડિઝાઇન અથવા નિશ્ચિત દુકાનોમાંથી સ્વેટર ખરીદવા માટે દબાણ થતું હોવાની ફરિયાદો વધતી હતી. આ કારણે અનેક વાલીઓ પર અનાવશ્યક આર્થિક ભારણ પડી રહ્યું હતું.

આ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લેતા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબાએ તમામ શાળાઓને સત્તાવાર પત્ર પાઠવી સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે, વિદ્યાર્થીઓને ચોક્કસ કલર અથવા બ્રાન્ડના સ્વેટર ફરજિયાત કરાશે નહીં. શાળાઓ નિશ્ચિત દુકાનોમાંથી સ્વેટર ખરીદવા દબાણ કરી શકશે નહીં. વિદ્યાર્થીઓ ઘરેથી લાવેલા કોઈપણ ગરમ કપડાં (સ્વેટર, જૅકેટ વગેરે) પહેરી શકે અને તેને માન્ય ગણવાનું રહેશે. વિદ્યાર્થીઓને ઠંડીમાં આરામદાયક ગરમ કપડાં પહેરવા સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવશે.

મહત્વનું છે કે, શિયાળાની કડક ઠંડીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના આરોગ્ય તથા વાલીઓના આર્થિક હિત માટે જિલ્લાવાર લેવાયેલો આ નિર્ણય પ્રશંસનીય માનવામાં આવી રહ્યો છે. વિભાગે તમામ શાળાઓને આ સૂચનાનું કડક પાલન કરવા તાકીદ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ફરિયાદો ન ઉદ્ભવે અને વિદ્યાર્થીઓ નિર્વિઘ્ને શાળા જઈ શકે. આ નિર્ણયથી વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કેમ કે હવે તેઓ તેમના બાળકો માટે પોતાની ક્ષમતા મુજબ અનુકૂળ અને સસ્તા ગરમ કપડાં પસંદ કરી શકશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button