National

બોટલો ફેંકી, પોસ્ટરો ફાડ્યા… કોલકાતામાં મેસ્સીની ઝલક ન જોવા મળતા ચાહકો ભરાયા રોષે

તમે બધા જાણતા જ હશો કે, ફૂટબોલના બાદશાહ લિયોનેલ મેસ્સી પોતાના ભારત પ્રવાસ દરમિયાન આજે કોલકાતાની મુલાકાતે આવ્યા હતા. તેઓ સોલ્ટ લેક સ્ટેડિયમમાં પહોંચ્યા અને ત્યાં સન્માન સમારોહમાં ભાગ લીધો. જોકે મેસ્સી સ્ટેડિયમ ખૂબ વહેલાં છોડી ગયા જેના કારણે હજારો ચાહકો ગુસ્સામાં આવી ગયા અને સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલ્સ ફેંકી હંગામો મચાવ્યો. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.

લિયોનેલ મેસ્સીને જોવા માટે લોકોએ મોટી સંખ્યામાં ટિકિટ ખરીદી હતી અને ઘણા ચાહકો માટે આ પ્રસંગ ખૂબજ ઉત્સાહજનક હોવા છતાં માત્ર 10 મિનિટ માટેની મુલાકાતે તેઓ કાંઈ ખાસ જોઈ શક્યા નહીં. એક ચાહકે જણાવ્યું, “ખૂબ જ નિરાશાજનક અનુભવ. મેસ્સી ફક્ત 10 મિનિટ માટે આવ્યો. તમામ રાજકારણીઓ અને મંત્રીઓ તેની આસપાસ હતાં, અમને કાંઈ જોવાનું અવસર મળ્યો ન હતો. અમે લાખો રૂપિયા ખર્ચ્યા, પરંતુ હકીકતમાં કંઈ મેળવી શક્યા નહીં.”

આ તરફ અન્ય એક ચાહકે ટિપ્પણી કરતાં કહ્યું, મેસ્સી સંપૂર્ણપણે રાજકારણીઓ અને અભિનેતાઓથી ઘેરાયેલો હતો. અમને માત્ર સ્ટેજ પર ‘સ્લોટ’ પૂરું પાડવામાં આવ્યો. ટિકિટ માટે ₹12,000 ખર્ચ્યા હતા પરંતુ તેમનો ચહેરો પણ નજરે નહોતો પડ્યો.

લિયોનેલ મેસ્સીના પ્રવાસ દરમિયાન બનેલ આ ઘટનાથી આયોજકો અને વહીવટીતંત્ર પર પણ સવાલો ઊભા થાય છે. આ સમગ્ર ઘટનાઓમાં સ્પષ્ટ થયું કે, મેસ્સીના પ્રમુખ ચાહકો માટે પૂરતો સમય ન મળવો અને મોંઘી ટિકિટ હોવા છતાં તોફાન સર્જાવું, સ્ટેડિયમમાં અસંતોષ અને હંગામોનું મુખ્ય કારણ બન્યું. લિયોનેલ મેસ્સી ઉપરાંત ઉરુગ્વેના ફૂટબોલ સ્ટાર લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ પણ કોલકાતા આવી ગયા હતા, પરંતુ ત્રણેય હવે હૈદરાબાદની યાત્રા માટે રવાના થયા છે. હૈદરાબાદમાં તેઓ એક વિશેષ પ્રદર્શની મેચમાં ભાગ લેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button