Top In Ahmedabad

 SOGની ટીમે દાદરા નગર હવેલીમાંથી ચાઈનીઝ દોરીની ફેક્ટરી ઝડપી, કરોડોનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.એ ઉત્તરાયણ પહેલાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સાણંદ, બાવળા, કોઠ અને આણંદમાં પાડવામાં આવેલા દરોડાના તાર છેક દાદરા નગર હવેલી સુધી પહોંચ્યા હતા. બાદમાં એસ.ઓ.જીની ટીમે દાદરા નગરમાં ધમધમતી ગેરકાયદે ચાઇનીઝ દોરી બનાવતી કંપનીને પણ ઝડપી પાડી છે.  આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 52,000 જેટલી પ્રતિબંધિત ફિરકીઓ અને મશિનરી સહિત કુલ 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

આ ઓપરેશનની શરૂઆત વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં થયેલા દરોડાથી થઈ હતી. સાણંદના રણમલ ગઢ ગામના સીમમાંથી 7.48 લાખની 1872 રીલ સાથે ચાર શખસો, બાવળાની ફેક્ટરીમાંથી 12.91 લાખની 3864 ફિરકી સાથે એક શખસ અને કોઠ પાસે આઈસર ગાડીમાંથી 12.15 લાખના મુદ્દામાલ સાથે બે શખસોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આણંદ ટાઉન પોલીસ સાથે મળીને 2.01 લાખની 672 ફિરકી પણ જપ્ત કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે પ્રતિબંધિત દોરીનો આ જથ્થો વાપીના વિરેનકુમાર બાબુભાઈ પટેલ દ્વારા મોકલવામાં આવતો હતો.

તપાસના અંતે SOGની ટીમે દાદરા નગર હવેલી ખાતે આવેલી ‘વંદના ઇન્ડસ્ટ્રીઝ’ પર દરોડો પાડ્યો હતો, જ્યાં ગેરકાયદે સિન્થેટિક (ચાઈનીઝ) દોરીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. અહીંથી પોલીસે 1.50 કરોડની કિંમતની 43,192 રીલ અને 50 લાખની મશીનરી તથા રો-મટીરિયલ સીઝ કર્યું છે. આમ, અલગ-અલગ સ્થળોએથી કુલ 1.82 કરોડની કિંમતની 52,000 ફિરકીઓ અને વાહનો-મોબાઈલ સહિત કુલ 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે પ્રતિબંધિત દોરીના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button