Top In Ahmedabad

અમદાવાદમાં RBI સહિત 17 બેંકોમાં 5 લાખથી વધુની નકલી નોટો જમા થઈ, ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી તપાસ

અમદાવાદમાં ભારતીય ચલણને નબળું પાડવાનું એક ગંભીર કાવતરું સામે આવ્યું છે. શહેરની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) સહિતની 17 જેટલી સરકારી અને ખાનગી બેન્કોમાં મોટા પ્રમાણમાં નકલી નોટો જમા થઈ હોવાનો સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે. આ મામલે અમદાવાદ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ક્રાઈમ બ્રાંચે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

SOG ક્રાઈમ બ્રાંચને મળેલી માહિતીના આધારે વિવિધ બેંકોમાં જમા થયેલી શંકાસ્પદ નોટોના સીલબંધ કવરો મેળવવામાં આવ્યા હતા. પંચોની હાજરીમાં આ કવરો ખોલતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી. બેન્ક વ્યવહાર દરમિયાન સિસ્ટમમાં ઘૂસાડી દેવાયેલી આ નોટો અસલ જેવી જ દેખાતી હતી.

જપ્ત કરાયેલ નકલી નોટોના આંકડા

તપાસ દરમિયાન કુલ 1627 નકલી નોટો મળી આવી છે, જેની બજાર કિંમત આશરે 5,33,850 રૂપિયા જેટલી થાય છે.  જેમાં 500ની 794 નોટ, 200ની 377 નોટ, 100ની 268 નોટ, 50ની 172 નોટ, 2000ની 13 નોટ, 20ની 02 અને 10ની 1 નોટ સામેલ છે.

‘ચિલ્ડ્રન બેન્ક’ લખેલી નોટો પણ મળી

તપાસમાં એક આશ્ચર્યજનક વિગત સામે આવી છે કે કેટલીક નોટો પર સ્પષ્ટપણે ‘ચિલ્ડ્રન બેંક’ લખેલું હતું, તેમ છતાં તે બેંકિંગ સિસ્ટમ સુધી પહોંચી ગઈ હતી. કેટલીક નોટો હાઈ-ક્વોલિટી કલર ઝેરોક્ષ જેવી જણાતી હતી. ફાટી ગયેલી કે ખરાબ થયેલી નોટો પર ગુંદર પટ્ટી કે સેલો ટેપ લગાવીને તેને ચલણમાં ઘુસાડવાનો પ્રયાસ કરાયો હતો.

SOGની ‘ઈ-સાક્ષ્ય’ દ્વારા ડિજિટલ તપાસ

પોલીસે આ વખતે પુરાવા એકત્ર કરવા માટે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો છે. ‘ઈ-સાક્ષ્ય’ એપ્લિકેશન મારફતે તમામ નકલી નોટોની ઓનલાઈન વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી છે જેથી કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરી શકાય.

હવે સવાલ એ ઊભો થયો છે કે આટલી મોટી સંખ્યામાં નકલી નોટો બેન્કોના કાઉન્ટર સુધી પહોંચી કેવી રીતે? શું આમાં કોઈ મોટી ગેંગ સક્રિય છે કે પછી બેંકના સ્ટાફની કોઈ ક્ષતિ છે? SOG હવે સીસીટીવી ફૂટેજ અને ડિપોઝિટ સ્લિપના આધારે આ નોટો જમા કરાવનાર શખસો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button