Top In Ahmedabad

અમદાવાદના રસ્તાઓ પર દોડશે વધુ 1000 ઇલેક્ટ્રિક બસો; AMTS અને BRTSના કાફલામાં થશે મોટો વધારો

વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ હવે સ્માર્ટ સિટીની સાથે ‘ગ્રીન સિટી’ તરીકે પણ વિશ્વસ્તરે પોતાની ઓળખ મજબૂત કરી રહ્યું છે. પર્યાવરણની સુરક્ષા અને આધુનિક જાહેર પરિવહનને પ્રાધાન્ય આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ ગ્રીન ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે એક ઐતિહાસિક છલાંગ લગાવી છે.

શહેરમાં પ્રદૂષણ ઘટાડવા અને મુસાફરોને અત્યાધુનિક સુવિધા આપવા માટે AMC દ્વારા મોટા પાયે ઈલેક્ટ્રિક બસોના ઓર્ડર આપવામાં આવ્યા છે. જેમાં કુલ 561 ઈલેક્ટ્રિક બસોનો ઓર્ડર અપાયો (AMTS માટે 311 અને BRTS માટે 250). આ બસો 2026 સુધીમાં સેવામાં કાર્યરત થશે. આ કાર્યક્રમ હેઠળ 1000 નવી ઈલેક્ટ્રિક બસોનો ઓર્ડર અપાઈ ચૂક્યો છે. જ્યારે 660 બસો માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે અને અન્ય 300 બસો માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. વર્ષ 2027 સુધીમાં અમદાવાદના રસ્તાઓ પર કુલ 1960 નવી ઈલેક્ટ્રિક બસો ઉમેરાશે, જે શહેરના જાહેર પરિવહનનો ચહેરો બદલી નાખશે.

આ પહેલ માત્ર સુવિધા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે પર્યાવરણ અને અર્થતંત્ર માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. 2030 સુધીમાં 3000 ઈલેક્ટ્રિક બસો કાર્યરત થવાથી વાર્ષિક અંદાજે 1.10 લાખ ટન કાર્બન ઉત્સર્જન (CO2e) ઘટશે. ડીઝલના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થવાથી વિદેશી મુદ્રાની બચત થશે. ઈલેક્ટ્રિક બસોમાં મિકેનિકલ પાર્ટ્સ ઓછા હોવાથી મેન્ટેનન્સ ખર્ચ ઓછો રહે છે અને ઓપરેશનલ કાર્યક્ષમતા વધે છે. અવાજ વગરની અને એસી સુવિધા ધરાવતી આ બસો નાગરિકોને ખાનગી વાહનો છોડી જાહેર પરિવહન અપનાવવા પ્રેરે છે.AMC એ આગામી પાંચ વર્ષમાં AMTS અને BRTS મળીને કુલ 2700 ઈલેક્ટ્રિક બસો દોડાવવાનું લક્ષ્ય રાખ્યું છે. હાલની 400 CNG AC બસોને મેળવતા અમદાવાદ પાસે કુલ 3100 બસોની વિશાળ ગ્રીન ફ્લીટ હશે. આ આયોજન પાછળનું એક મહત્વનું કારણ કોમનવેલ્થ ગેમ્સ 2030 અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ પણ છે. આ ઇવેન્ટ્સ દરમિયાન અંદાજે 800 થી 1000 વધારાની બસોની જરૂરિયાતને આ ગ્રીન મોબિલિટી પ્રોજેક્ટ દ્વારા સંતોષવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button