Business

ઉત્તરાયણ પર ગૃહિણીઓને ‘મોંઘવારી’ની ભેટ! ફરી એકવાર સીંગતેલના ભાવમાં મોટો ઉછાળો

 દિવાળી તહેવાર બાદ હાલ ફરી એકવાર ઉત્તરાયણ તહેવાર પર રાજ્યમાં સીંગતેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં સીંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 80થી 90 સુધીનો વધારો નોંધાયો છે. હાલમાં 15 કિલોનો સીંગતેલનો ડબ્બો બજારમાં રૂપિયા 2725થી લઈને 2750 સુધીના ભાવે વેચાઈ રહ્યો છે.

વેપારીઓ જણાવે છે કે, મગફળીના ભાવમાં થયેલા વધારાના સીધા અસરરૂપે સીંગતેલ મોંઘું બન્યું છે. સરકાર દ્વારા ટેકાના ભાવે મોટા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જેના કારણે ઓપન માર્કેટમાં પુરવઠો ઘટ્યો છે અને ભાવમાં વધારો થયો છે.


આંકડાઓ મુજબ, છેલ્લા એક મહિનામાં મગફળીના ભાવમાં પ્રતિ મણ રૂપિયા 150થી 200 સુધીનો વધારો નોંધાયો છે. હાલ ઓપન યાર્ડમાં મગફળીના ભાવ રૂપિયા 1250થી લઈને 1450 પ્રતિ મણ સુધી પહોંચ્યા છે. વેપારીઓનું કહેવું છે કે સારી ગુણવત્તાની પીલાણ યોગ્ય મગફળીની બજારમાં અછત છે. સાથે સાથે વાર્ષિક ખાદ્યતેલની મોટી ખરીદી શરૂ થતા માંગમાં વધારો થયો છે, જેના કારણે ભાવ સતત ઊંચા જઈ રહ્યા છે.


સરકાર ટેકાના ભાવે મોટી માત્રામાં ખરીદી કરે છે એટલે ઓપન માર્કેટમાં માલ ઓછો રહે છે. માંગ વધારે અને પુરવઠો ઓછો હોવાથી ભાવ વધતા જ રહે છે. બજારના નિષ્ણાતો માને છે કે આવનારા સમયમાં પણ સીંગતેલના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે. જો મગફળીના ભાવ સ્થિર ન થાય તો સામાન્ય ગ્રાહકો પર આર્થિક બોજ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


નોંધનીય છે કે, દિવાળીના સમયે પણ સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં 60 રૂપિયા સુધીનો વધારો થયો હતો. તે સમયે ખાસ માવઠા અને G-20 મગફળીની આવક વિલંબના કારણે આ ભાવ વધ્યા હતા. ત્યારે હાલ ફરી એકવાર સિંગતેલના ભાવમાં ઘરખમ વધારો થતા સિંગતેલનો 15 કિલો ડબ્બો રૂપિયા 2725થી લઈને 2750 સુધીના ભાવે વેચાઈ રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button