Entertainment

અજિત પવારનું વિમાન કેમ ક્રેશ થયું? કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં નિધન અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક વિસ્તૃત રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટમાં એ ચાર્ટર્ડ વિમાન ક્રેશ થયું એ પહેલાંની મિનિટ-દર-મિનિટનો અહેવાલ આપવામાં આવ્યો છે. પ્રારંભિક તપાસમાં દુર્ઘટનાનું કારણ ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટી હોવાનું જણાવાઈ રહ્યું છે.

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે અમે પારદર્શક અને જવાબદાર રીતે તપાસ કરીશું. તેમણે જણાવ્યું કે પ્રારંભિક માહિતી પ્રમાણે, સવારે લગભગ 8:48 વાગ્યે લેન્ડિંગ સમયે વિઝિબિલિટી ઓછી હતી. DGCA અને AAIB ટીમો તપાસ કરી રહી છે. લેન્ડિંગ પહેલાં, ATC બારામતીનો સંપર્ક કરીને પાયલોટે જણાવ્યું કે રનવે દેખાઈ રહ્યો નથી. રનવે સ્પષ્ટ રીતે દેખાતો ન હોવાથી વિમાન હવામાં ચક્કર લગાવતું રહ્યું. બીજી વાર પણ લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ વિઝિબિલિટી ન હતી. થોડી વાર પછી પાયલોટે ફરીથી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો. ATCના પહેલા સવાલનો જવાબ ન મળ્યો, પણ થોડી વાર પછી પાયલોટે રનવે સ્પષ્ટ રીતે દેખાવાની વાત કહી, જેના પર ATCએ લેન્ડિંગ ક્લિયરન્સ આપી દીધું. જો કે, થોડીવાર પછી જ વિમાન ક્રેશ થવાના ખબર આવી ગયા. સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.

રામ મોહન નાયડુએ અજિત પવારના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે “હું ખૂબ જ દુઃખી છું. અજિત દાદા હવે આપણી સાથે નથી તે માન્યામાં નથી આવતું. આ ઘટનામાં મૃત્યુ પામેલા અન્ય ચાર વ્યક્તિઓના પરિવારો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. અજિત દાદા જાહેર સેવામાં તેમના અનુભવને કારણે અમને ખૂબ માર્ગદર્શન આપતા હતા. મહારાષ્ટ્ર માટે આ એક ભરપાઈ ન થઈ શકે એવું નુકસાન છે. તેમના જેવા નેતાઓ શોધવા ખૂબ જ મુશ્કેલ છે.”

મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટ એરપોર્ટ પર હાજર એક ATC સેવા કર્મચારીના નિવેદનના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. બારામતી એક અનિયંત્રિત એરપોર્ટ છે, જ્યાં કોઈ સંપૂર્ણ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) યુનિટ નથી. અહીં, ફક્ત ફ્લાઇટ તાલીમ સંસ્થાઓના પ્રશિક્ષકો અથવા પાઇલટ્સ જ ટ્રાફિક માહિતી પૂરી પાડે છે. વિમાનને VI-SSK તરીકે ઓળખવામાં આવ્યું છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, 28 જાન્યુઆરી 2026ના રોજ VI-SSK વિમાને સવારે 8:18 વાગ્યે પહેલી વાર બારામતીનો સંપર્ક કર્યો. ત્યારબાદ વિમાન જ્યારે બારામતીથી 30 નોટિકલ માઇલ દૂર હતું ત્યારે ફરીથી સંપર્ક કર્યો. તે સમયે, પાઇલટને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને વિઝ્યુઅલ મેટ્રોલૉજિકલ કન્ડિશનમાં નીચે ઉતરવાની સલાહ આપવામાં આવી હતી.

આની તરત જ પાઇલટે પવનની ગતિ અને વિઝિબિલિટી વિશે પૂછ્યું. તેમને કહેવામાં આવ્યું કે હવા શાંત છે અને વિઝિબિલિટી લગભગ 3,000 મીટર છે. ફરી વિમાને રનવે 11 પર તેની અંતિમ લેન્ડિંગની તૈયારીની સૂચના આપી, પરંતુ એમ પણ કહ્યું કે રનવે દેખાતો નથી. ત્યારબાદ પાઇલટે લેન્ડિંગ ન કરીને વિમાનને પાછું ઉપર ઉડાડ્યું.

જ્યારે વિમાન ફરી ચક્કર લગાવીને આવ્યું ત્યારે પાઇલટે ફરીથી રનવે 11 પર લેન્ડિંગની સૂચના આપી. તેમને કહેવામાં આવ્યું કે રનવે દેખાય તો જણાવે. પાઇલટે જવાબ આપ્યો, ‘રનવે હમણાં દેખાતો નથી, દેખાશે ત્યારે જણાવીશ.’ થોડીક સેકન્ડ પછી તેમણે જણાવ્યું કે તેમણે રનવે દેખાઈ ગયો છે. સવારે 8.43 વાગ્યે, વિમાનને રનવે 11 પર લેન્ડ કરવા માટે મંજૂરી આપવામાં આવી.

મંત્રાલયે જણાવ્યું કે પાઇલટે લેન્ડિંગ ક્લિયરન્સ અંગે કોઈ માહિતી ન આપી. બરાબર એક મિનિટ પછી, સવારે 8.44 વાગ્યે, એરપોર્ટ સ્ટાફને રનવે 11 નજીક આગની જ્વાળાઓ દેખાઈ. તાત્કાલિક ઇમરજન્સી સર્વિસિસને ક્રેશ સાઇટ પર મોકલવામાં આવી. રનવેની ડાબી બાજુએ વિમાનનો કાટમાળ મળી આવ્યો. આ દુર્ઘટનામાં અજિત પવાર, તેમના સ્ટાફના બે સ્ટાફ, એક પર્સનલ સિક્યોરીટી ઓફિસર અને એક સહાયક સહિત પાંચ લોકોના મોત થઈ ગયા. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ આ કેસની તપાસ સંભાળી લીધી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button