National

કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ, અપાઇ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે તે સમયે ભારે અફરાતફરી મચી ગઈ જ્યારે કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. સુરક્ષાના કારણોસર પાયલોટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક સાધ્યો અને ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

ફ્લાઇટના સુરક્ષિત લેન્ડિંગ બાદ વિમાનને રન-વેથી દૂર આઈસોલેશન બે માં લઈ જવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારવામાં આવ્યા હતા. આ ફ્લાઇટ કુવૈતથી ઉપડીને દિલ્હી જઈ રહી હતી. વિમાનમાં કુલ 180 મુસાફરો સવાર હતા. ફ્લાઇટમાં બોમ્બ હોવાનો સંદેશ મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી

તમામ 180 મુસાફરોનું પર્સનલ ચેકિંગ કરવામાં આવ્યું અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. વિમાનમાં રહેલા તમામ સામાનને બહાર કાઢીને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરાયું હતું. સુરક્ષા એજન્સીઓ દ્વારા આખું વિમાન ફંફોસી મારવામાં આવ્યું હતું જેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તેને નિષ્ક્રિય કરી શકાય.

એરપોર્ટ પર એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર અને સ્થાનિક પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. અત્યાર સુધીની તપાસમાં કોઈ પણ વિસ્ફોટક વસ્તુ મળી આવી નથી, જે રાહતના સમાચાર છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ધમકી અફવા હોવાનું જણાય છે, પરંતુ એજન્સીઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button