Entertainment

“વેશ્યાવૃત્તિ એ સમાજ સેવા છે”, ફિલ્મના પ્રમોશનમાં ગુજરાતી અભિનેત્રી ભાન ભૂલ્યા, આ નિવેદનથી ખળભળાટ

ગુજરાતી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી મોના થીબા કનોડિયા હાલમાં એક ચોંકાવનારા નિવેદનને કારણે વિવાદોના વમળમાં ફસાઈ ગઈ છે. રાજકોટમાં પોતાની આગામી ફિલ્મ ‘શક્તિ’ના પ્રમોશન દરમિયાન તેમણે વેશ્યાવૃત્તિને “સમાજ સેવા” ગણાવતા સોશિયલ મીડિયા અને સામાજિક વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આગામી 27 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘શક્તિ’ ના પ્રમોશન માટે મોના થીબા રાજકોટ આવ્યા હતા. પત્રકાર પરિષદ દરમિયાન ફિલ્મની કહાની અને પાત્ર વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “વેશ્યાવૃત્તિ એ સમાજ સેવા છે, નહિતર કેટલીક બહેન-દીકરીઓ પર બળાત્કાર થાય તેમ છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોઈ પણ સ્ત્રી પોતાની મરજીથી આ વ્યવસાયમાં આવતી નથી, પરંતુ મજબૂરી તેને અહીં ખેંચી લાવે છે. આ ફિલ્મમાં આવી મહિલાઓની વેદના અને મજબૂરીને વાચા આપવામાં આવી છે.

ગુજરાતી ફિલ્મ જગતની અભિનેત્રીના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. મોટાભાગના લોકોનું માનવું છે કે ફિલ્મ પ્રમોશન માટે આવા સંવેદનશીલ મુદ્દાને ‘સમાજ સેવા’ નું લેબલ આપવું એ નૈતિક મૂલ્યોનું પતન છે. લોકો પૂછી રહ્યા છે કે શું અભિનેત્રી જાણીજોઈને વિવાદ પેદા કરીને ફિલ્મનું માર્કેટિંગ કરી રહ્યા છે?

ભારતીય કાયદા મુજબ, અનૈતિક વ્યાપાર (નિવારણ) અધિનિયમ, 1956 હેઠળ વેશ્યાવૃત્તિને રોકવા માટે કડક જોગવાઈઓ છે. વેશ્યાગૃહ ચલાવવું અથવા તે માટે પરિસરનો ઉપયોગ કરવા દેવો એ ગુનો છે. એકબાજુ સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દેહવ્યાપારના દૂષણને નાબૂદ કરવા મથામણ કરી રહી છે, ત્યારે એક જવાબદાર કલાકાર દ્વારા તેને પ્રોત્સાહન મળે તેવા નિવેદનો આપવા તે ચિંતાનો વિષય છે. સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે ફિલ્મ કાલ્પનિક હોઈ શકે છે, પરંતુ તેના પ્રમોશનમાં જાહેરમાં બોલાતા શબ્દોની સમાજ પર ઊંડી અસર પડે છે. અભિનેત્રીએ ઉત્સાહમાં આવીને ભાન ભૂલ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે.”

ગુજરાતી ફિલ્મ જગતની અભિનેત્રી મોના થીબાના જણાવ્યા અનુસાર, ‘શક્તિ’ ફિલ્મ વેશ્યાવૃત્તિ પર આધારિત હોવા છતાં તેને પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી રીતે બનાવવામાં આવી છે. આ ફિલ્મ સ્ત્રીની પીડા અને તેની લાચારીની બીજી બાજુ દર્શાવવાનો પ્રયાસ કરે છે. હવે જોવાનું એ રહેશે કે આ વિવાદ બાદ ફિલ્મને પ્રેક્ષકોનો કેવો પ્રતિસાદ મળે છે અને મોના થીબા પોતાના આ નિવેદન પર કોઈ સ્પષ્ટતા કરે છે કે નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button