GUJARAT

 નકલી ઘીનું વધુ એક કારખાનું ઝડપાયું, ફૂડ વિભાગની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો

ડાયમંડ સિટી સુરતમાં નકલી ચીજવસ્તુઓના વેચાણનો સિલસિલો યથાવત છે. શહેરના ઉત્રાણ વિસ્તારમાંથી ફરી એકવાર મોટી માત્રામાં શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઈ છે. ઉત્રાણ પોલીસ અને પાલિકાના ફૂડ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી રંગોલી ચોકડી પાસેના એક કોમ્પ્લેક્સમાં રેડ પાડી હતી.

મળતી માહિતી મુજબ, રંગોલી ચોકડી નજીક આવેલા એક કોમ્પ્લેક્સમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ધમધમતું હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસના દરોડા દરમિયાન જાણવા મળ્યું હતું કે અહીં ‘સહજાનંદ’ અને ‘ગજાનંદ’ જેવી બ્રાન્ડના નામે આકર્ષક પેકિંગ કરીને શંકાસ્પદ ઘીનું વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે ઘટનાસ્થળેથી માત્ર ઘીનો જથ્થો જ નહીં, પરંતુ પેકિંગ માટે વપરાતી મશીનરી પણ જપ્ત કરી છે.

સુરતમાંથી અગાઉ પણ અનેકવાર નકલી ઘી, પનીર અને તેલ જેવા ખાદ્યપદાર્થો ઝડપાઈ ચૂક્યા છે. વારંવાર પકડાતા આવા જથ્થાને કારણે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે તંત્રની ઢીલી નીતિને કારણે જ ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે.કાર્યવાહી દરમિયાન ફૂડ વિભાગની ટીમે સ્થળ પરથી ઘીના વિવિધ સેમ્પલ લીધા હતા, જેને તપાસ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. હાલ પોલીસે તમામ જથ્થો સીઝ કરી દીધો છે અને આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસ તેજ કરી છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ આ ઘીમાં કયા જોખમી પદાર્થોની ભેળસેળ કરવામાં આવતી હતી તેનો ખુલાસો થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button