AMTSની લાલદરવાજા થી બાવળા રૂટની બસમાં આગ, સદનસીબે જાનહાની ટળી


અમદાવાદમાં AMTSની બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રુટ 35 ની બસનં TCM 53 લાલદરવાજા થી બાવળા તરફ જતી હતી તે દરમ્યાન જૈન મરચંટ બસ સ્ટેન્ડ પર બસ ઉભી હતી તે દરમ્યાન બસના એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. કંડક્ટરે તુરંત જ બસમાંથી મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. બસ ડ્રાઈવરે ઇગ્નિશન સ્વીચ અને મેઈન સ્વીચ બંધ કરી પણ આગ બસમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી. જોકે સદનસીબે જાનહાની ટળી હતી.
આ ભીષણ આગમાં બસનો આગળનો ભાગ, એન્જિન, રૂફ સીલિંગ અને આગળની ચાર સીટો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સવારના સમયે બનેલી આ ઘટનાને પગલે રોડ પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
ફાયરબ્રિગેડે આગ કાબુમાં લીધી
આગ લાગતા જ ડ્રાઈવરે બસમાં રહેલા ફાયર એક્ષ્ટીંન્ગ્યુશરથી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. આસપાસથી પસાર થતી અન્ય બસોના ચાલકોએ પણ પોતાના ફાયર સેફ્ટીના સાધનો વડે મદદ કરી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટૂંક સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.




