National

પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે આજે PM મોદીની બે મોટી બેઠકો, દેશની સ્થિતિ પર થશે ચર્ચા

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે મહત્વપૂર્ણ બેઠકો બોલાવી છે. બપોરે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે, જ્યારે સાંજે ઓલ પાર્ટી મિટિંગ રાખવામાં આવી છે. આ બેઠકોમાં દેશ પર પડી શકે તેવી યુદ્ધની અસરો અને ભવિષ્યની તૈયારીઓ અંગે ચર્ચા થશે. ખાસ કરીને ઊર્જા પુરવઠો, વેપાર માર્ગો અને આર્થિક સ્થિતિ પર શું અસર પડી શકે તે મુદ્દાઓ પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરશે.

વડાપ્રધાને અગાઉ પણ સંસદમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ ચિંતાજનક છે અને તેનો સીધો પ્રભાવ ભારત પર પડી શકે છે. આ પ્રદેશ ભારત માટે તેલ અને ગેસનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે, તેથી ત્યાંના સંઘર્ષથી દેશની અર્થવ્યવસ્થા અને પુરવઠા પર અસર થવાની શક્યતા છે. સાંજે યોજાનારી ઓલ પાર્ટી મિટિંગમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓ હાજર રહેશે. આ મિટિંગનો ઉદ્દેશ દેશના મુદ્દાઓ પર સર્વસંમતિ બનાવવાનો અને સંકટ સમયે એકતા જાળવવાનો છે.

આ પહેલા પણ આવી પરિસ્થિતિઓમાં સરકારે સર્વપક્ષીય બેઠકો બોલાવી છે. કોરોના મહામારી, સુરક્ષા સંબંધિત ઘટનાઓ અને કુદરતી આપત્તિઓ દરમિયાન આવી બેઠકો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ સાથે જ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એ પણ તાજેતરમાં દેશની સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારત હંમેશા શાંતિ અને વાતચીત દ્વારા ઉકેલ લાવવા તરફેણમાં છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે લોકોને સંયમ રાખવાની અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. જો સંઘર્ષ લાંબો ચાલે, તો તેની અસર વૈશ્વિક સ્તરે અને ભારતના દૈનિક જીવન પર પણ પડી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button