GUJARAT

સુરેન્દ્રનગરના માથાભારે શખ્સ મહાવીરસિંહ સિંધવનું બોપલમાં મોત કેવી રીતે થયું? જાણો આખી ઘટના

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના માથાભારે શખ્સ મહાવીરસિંહ સિંધવ (Mahavirsinh Sindhav)નું અમદાવાદના બોપલ વિસ્તારમાં મોત થયું છે. બોપલ વિસ્તારમાં આવેલા ‘અક્ષર લક્ઝ્યુરિયા’ ફ્લેટના ચોથા માળેથી નીચે પટકાતા મહાવીરસિંહ સિંધવને ગંભીર ઈજાઓ થઈ હતી અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામનો રહેવાસી મહાવીરસિંહ સિંધવ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ‘અક્ષર લક્ઝ્યુરિયા’ ફ્લેટમાં રહેતો હતો. ગઈકાલે 8 જૂને રાત્રે મહાવીરસિંહની પાડોશમાં રહેતા મુરત સોલંકી સાથે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી, જોતજોતામાં આ ઝઘડો મારામારીમાં ફેરવાયો હતો. મહાવીરસિંહે મુરત સોલંકી સાથે મારામારી કરી હતી.

જેથી સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના ઈમરજન્સી નંબર 112 પર ફોન કર્યો હતો. સોસાયટીના રહેવાસીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની PCR વાન ઘટના સ્થળે પહોંચી હતી. જેથી પોલીસને જોઈને મહાવીરસિંહ ભાગ્યો હતો.

આ દરમિયાન તે ચોથા માળેથી નીચે કૂદીને ભાગવાનો પ્રયાસ કરતા અચાનક તેનો પગ લપસી ગયો હતો અને તે ચોથા માળેથી ફંગોળાઈને નીચો પડ્યો હતો. જેમાં તેના માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના લીધે તેનું મોત થયું હતું. સ્થાનિકોના આક્ષેપ મુજબ, આ દરમિયાન મહાવીરસિંહ નશાની હાલતમાં હતો.

આ ઘટના મામલે બોપલ પોલીસે જણાવ્યું છે કે, મૃતકનું નામ મહાવીરસિંહ સિંધવ છે. તે મારામારી, ગુજસીટોક અને NDPS જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેઓ થોડા સમય પહેલા જ બોપલ રહેવા માટે આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના નિવેદન મુજબ, પડોશી સાથે મારામારી કર્યા બાદ મહાવીરસિંહ પોલીસ પકડથી બચવા માટે ભાગતી વખતે જાતે જ લપસીને નીચે પડ્યો હતો. જેના કારણે તેનું મોત થયું છે. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button