Top In Ahmedabad

જર્જરિત હાલતમાં સુભાષ બ્રિજ, પિલરમાં તિરાડો પડતાં AMC બ્રિજ પાડવાનો નિર્ણય લઈ શકે

અમદાવાદના સુભાષ બ્રિજને લઈને આગામી સમયમાં મોટો નિર્ણય લેવાઈ શકે તેવી ચર્ચા તેજ બની છે. વાસ્તવમાં સુભાષ બ્રિજના હાલના માળખામાં વધુ તિરાડો અને માળખાકીય જોખમ સામે આવતા માત્ર રિપેરિંગ નહીં પરંતુ સમગ્ર બ્રિજને તોડી ફરીથી નવા સ્વરૂપે બનાવવાનો વિકલ્પ પણ ગંભીરતાથી વિચારવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે, અગાઉ બ્રિજના અસરગ્રસ્ત ભાગ અને કેટલાક સ્પાન દૂર કરીને નવો ભાગ તૈયાર કરવાની દિશામાં કામગીરી ચાલી રહી હતી. પરંતુ ડિમોલીશન દરમિયાન બ્રિજના અન્ય ભાગોમાં પણ અસર અને તિરાડો દેખાવા લાગતાં નિષ્ણાતોએ સમગ્ર માળખાનું ફરી મૂલ્યાંકન કર્યું હોવાનું જાણવા મળે છે.

કન્સલ્ટન્ટના પ્રાથમિક અભિપ્રાય મુજબ માત્ર ઉપરનો ભાગ બદલવાથી લાંબા ગાળે પૂરતી સુરક્ષા મળી રહે તેવી સ્થિતિ દેખાતી નથી. બ્રિજ લાંબા સમયથી ઉપયોગમાં હોવાથી ગર્ડર ઉપરાંત પીલરની સ્થિતિ પણ ચિંતાજનક બની શકે છે. તેથી સંપૂર્ણ ડિમોલીશન અને નવેસરથી નિર્માણ વધુ યોગ્ય વિકલ્પ બની શકે તેવી ચર્ચા ચાલી રહી છે.

આ મુદ્દે વિવિધ ટેકનિકલ સંસ્થાઓ અને નિષ્ણાત એજન્સીઓના અભિપ્રાયો પર વિચારણા થઈ રહી છે. હાલના તબક્કે બ્રિજના કેટલાક ભાગો દૂર કર્યા બાદ આગળની કાર્યવાહી કેવી રીતે કરવી તે અંગે અંતિમ નિર્ણય લેવાઈ શકે છે. મ્યુનિસિપલ તંત્ર અને ટેકનિકલ ટીમો વચ્ચે ચર્ચા બાદ આગામી માર્ગ નક્કી થવાની શક્યતા છે.

જો આખો બ્રિજ ફરીથી બનાવવાનો નિર્ણય લેવાશે તો સમયમર્યાદા અને ખર્ચ બંનેમાં વધારો થઈ શકે છે. અગાઉ નવા બ્રિજ માટે મંજૂર થયેલી યોજના હવે નવી સ્થિતિ મુજબ બદલાઈ શકે છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વચ્ચેનું આ મહત્વનું કનેક્ટિવિટી પોઈન્ટ હોવાથી નાગરિકો માટે પણ આ નિર્ણય ખાસ મહત્વનો બનશે. ડિસેમ્બર 2025 દરમિયાન બ્રિજમાં માળખાકીય ખામી અને સ્પાનમાં અસર સામે આવ્યા બાદ બ્રિજને બંધ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારથી ટેકનિકલ અભ્યાસ અને ભવિષ્યના સલામત વિકલ્પો પર કામ ચાલી રહ્યું છે. હવે સૌની નજર અંતિમ નિર્ણય પર ટકી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button