અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, રાણીપમાં લાકડીઓ સાથે રસ્તા પર ઉતરી મુસાફરોને રઝળાવ્યા


અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળનો આજે બીજો દિવસ છે, આરટીઓ અને પોલીસ સાથે થયેલી બેઠક નિષ્ફળ ગઇ હોવાનું સામે આવ્યુ છે. હડતાળના કારણે અનેક મુસાફરો રઝળ્યા છે, તો વળી કેબ ચાલકો લૂંટ ચલાવી રહ્યા હોવાની પણ વાત સામે આવી છે.
અમદાવાદમાં ઓનલાઈન કેબ-એપ અને ભાડા વધારાના પ્રશ્નોને લઈને રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ બીજા દિવસે પણ યથાવત રહી છે. સોમવારે ટ્રાફિક પોલીસ, RTO અને ચાલક એસોસિએશન વચ્ચે યોજાયેલી બેઠક અનિર્ણિત રહેતા 10 સપ્ટેમ્બર સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે, જેનાથી મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
હડતાળના પ્રથમ દિવસે કેટલાક રિક્ષાચાલકોએ આક્રમક વલણ અપનાવી રીતસર ગુંડાગર્દી આચરી હતી. રાણીપ બસ સ્ટેન્ડ નજીક લાકડીઓ સાથે રસ્તા પર ઉતરેલા ચાલકોએ અન્ય રિક્ષાઓ રોકી મુસાફરો અને હોસ્પિટલ જતા દર્દીઓને પણ અધવચ્ચે ઉતારી દીધા હતા. હડતાળમાં ન જોડાનારા ચાલકોને પરાણે અટકાવવામાં આવ્યા હતા, જ્યારે કેબ સંચાલકોએ તકનો લાભ ઉઠાવી મનસ્વી ભાડું વસૂલ્યું હતું. જે મુસાફરોના લીધે રોજીરોટી ચાલે છે તેમને જ રઝળાવતા વાતાવરણ તંગ બન્યું હતું. આ ઘટના બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. પોલીસે એસોસિએશનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે હડતાળ ન પાડનારા ચાલકો કે સામાન્ય મુસાફરોને હેરાન કરાશે તો તેમની સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
અધિકારીઓ સાથેની વાટાઘાટો નિષ્ફળ જતાં શહેરમાં પરિવહન સેવાઓ ખોરવાયેલી છે. હવે પોલીસ અને તંત્ર દ્વારા સ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે, જેથી સામાન્ય નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે અને વિરોધના નામે થતી અરાજકતા રોકી શકાય.




