Top In Ahmedabad

અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ

ગુજરાતમાં લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. ગઈકાલે મોડી રાત્રે અમદાવાદના સિંધુભવન રોડ, થલતેજ અને ઇન્કમટેક્સ સહિતના અનેક વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. બીજી તરફ, અમરેલી, જામનગર અને ભાવનગર જિલ્લામાં પણ મેઘમહેર થતાં લોકો અને જગતના તાતને બફારા અને ગરમીથી મોટી રાહત મળી છે. રાજ્યમાં શરૂ થયેલા વરસાદના આ નવા રાઉન્ડથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

મળતી માહિતી મુજબ, આજે રાજ્યના 36 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુરમાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, ભાવનગરના ઘોઘા અને મહુવામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજુલા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે હિંડોરણા, ભેરાઈ, કડિયાળી અને પીપાવાવ ધામમાં સારો વરસાદ નોંધાયો છે. લાઠી શહેરમાં પડેલા વરસાદી ઝાપટાંથી લોકોને રાહત મળી છે. જામનગરના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામે તેમજ ગીર સોમનાથના ઉનામાં પણ મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય થયા છે, જેના કારણે વરસાદનો આ બીજો રાઉન્ડ શરૂ થયો છે.

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, ડાંગ તેમજ દમણ અને દાદરા નગર હવેલી માટે ‘યલો એલર્ટ’ જાહેર કરીને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દરિયામાં કરંટ અને પવનની ગતિ જોતાં સાવચેતીના પગલાં રૂપે માછીમારોને હાલ દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં પણ આગામી સમયમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

ભલે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હોય, પરંતુ સિઝનના આંકડાઓ હજુ પણ ચિંતા ઉપજાવે તેવા છે. રાજ્યમાં અત્યાર સુધી અપેક્ષા કરતાં ઘણો ઓછો વરસાદ નોંધાયો છે:

સમગ્ર ગુજરાત: રાજ્યમાં અત્યાર સુધીમાં 255.7 મિલીમીટરની અપેક્ષા સામે માત્ર 137 મિલીમીટર વરસાદ જ પડ્યો છે, એટલે કે એકંદરે 32 ટકાની મોટી ઘટ છે.

દ્વારકા: સૌથી ખરાબ સ્થિતિ દ્વારકાની છે. અહીં 233 મિલીમીટરની સામે માત્ર 8.4 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે દર્શાવે છે કે અહીં 96 ટકા ઓછો વરસાદ પડ્યો છે.

અમદાવાદ: અમદાવાદ શહેરમાં પણ અપેક્ષિત 227 મિલીમીટર સામે અત્યાર સુધી માત્ર 115 મિલીમીટર વરસાદ નોંધાયો છે, એટલે કે અહીં પણ 47 ટકાની ઘટ જોવા મળી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button