ડંકાની ચોટ પર આ તારીખો લખી રાખજો! ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, અંબાલાલની મોટી આગાહી


રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો અને સામાન્ય નાગરિકો ચિંતિત હતા, પરંતુ હવે વરસાદની અછત વચ્ચે રાહત આપતા મોટા સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગને લઈને મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઉતર ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને 3 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી લઈ 3-4 ઈંચ જેટલો વરસાદ વરસવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં એક નવી અને મજબૂત વરસાદી સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમની અસર આવતીકાલથી એટલે કે 12 સપ્ટેમ્બરની સાંજથી ગુજરાતમાં શરૂ થવાની પ્રબળ શક્યતા છે. આ સિસ્ટમ સક્રિય થતાં જ રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ સર્જાશે અને સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમન થશે. 12 અને 13 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળશે.આ નવી સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની શક્યતા છે. જેમાં અમરેલી, ભાવનગર, મહુવા અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને ધ્રાંગધ્રામાં પણ સારા વરસાદની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે દ્વારકા, પોરબંદર અને જામનગરમાં પણ વરસાદ વરસી શકે છે. આગાહી મુજબ, આમાંના કેટલાક વિસ્તારોમાં ૨ થી ૩ ઈંચ કે તેથી વધુ વરસાદ પણ પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, અરબી સમુદ્ર સપ્ટેમ્બર માસમાં સક્રિય થઈ શકે છે. આ કારણે સપ્ટેમ્બરમાં સારો વરસાદ વરસી શકે છે.
વીજળીથી સાવચેત રહેવા અપીલ અને નવી સિસ્ટમના એંધાણ
બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમની અસર ગુજરાતમાં 16 થી 17 સપ્ટેમ્બર સુધી રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી લોકોને વીજળીથી સાવચેતી રાખવા અને સુરક્ષિત સ્થળે રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. સૌથી વધુ ખુશીના સમાચાર એ છે કે વરસાદનો આ રાઉન્ડ પૂરો થયા બાદ, 18 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં વધુ એક નવી વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આમ, સપ્ટેમ્બર મહિનાનો બીજો પખવાડિયું ગુજરાત માટે સારા વરસાદનું લઈને આવે તેવી પૂરી આશા છે.




