1 સપ્ટેમ્બર પછી પણ મતદાતાઓના દસ્તાવેજો સ્વીકારવા પડશે, SIR મુદ્દે સુપ્રીમનો મોટો ચુકાદો


બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. બિહારમાં 1 સપ્ટેમ્બરના રોજ મતદાતા યાદી માટેના દસ્તાવેજો રજૂ કરવાની અંતિમ તારીખ પૂર્ણ થયા પછી પણ દસ્તાવેજો સ્વીકારવા જોઈએ. સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ જારી કરીને કહ્યું છે કે, મતદાતાઓના દાવા, વાંધા અને સુધારા માટે ચૂંટણી પંચને સુપરત કરવાના દસ્તાવેજો 1 સપ્ટેમ્બર પછી પણ સ્વીકારવા પડશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે બિહાર SIR પ્રક્રિયા અંગેની મૂંઝવણ ‘મોટે ભાગે વિશ્વાસનો મુદ્દો’ છે, આવી સ્થિતિમાં રાજકીય પક્ષોએ સક્રિય થવું જોઈએ. કોર્ટે બિહાર કાનૂની સેવા સત્તામંડળને મતદારો, રાજકીય પક્ષોને દાવા, વાંધા દાખલ કરવામાં મદદ કરવા માટે પેરા-લીગલ સ્વયંસેવકો તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પેરા-લીગલ સ્વયંસેવકોને જિલ્લા ન્યાયાધીશો સમક્ષ એક ગુપ્ત અહેવાલ દાખલ કરવા કહ્યું છે, જે મુદ્દે 8 સપ્ટેમ્બરના રોજ વિચાર કરવામાં આવશે.




