જગદીશ પંચાલ બન્યા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ, સીઆર પાટીલની જગ્યા લેશે


ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદે ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલની નિમણૂક કરવામાં આવી છે. શુક્રવારે કમલમમાં બપોરે વિજય મુહૂર્તમાં 10 ટેકેદારો સાથે જગદીશ પંચાલે ફોર્મ ભર્યું હતું. સર્વાનુમતે એક જ ફોર્મ ભરાતા જગદીશ પંચાલ ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા હતા.શનિવારે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં જગદીશ પંચાલની ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
જગદીશ પંચાલ OBC નેતા છે. OBC સમાજમાં મજબૂત પ્રભાવ ધરાવે છે. અમદાવાદ શહેર પ્રમુખ પદે રહી ચૂક્યા છે, જેથી સંગઠનનો અનુભવ છે. હાલ તેઓ નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાર્યરત છે.જગદીશ પંચાલ ટેક્સટાઇલ મશીનરીના વેપાર સાથે સંકળાયેલા છે. તેમનો જન્મ 12 ઑગસ્ટ 1973ના રોજ અમદાવાદમાં જ થયો હતો. બી.એ. અને માર્કેટિંગમાં તેમણે એમ.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ગુજરાત ભાજપનો મોટો OBC ચહેરો ગણાય છે. તેમણે 1998માં બુથ ઇન્ચાર્જ તરીકે તેમની રાજકીય સફર શરુ કરી હતી. તેઓ અમદાવાદના નિકોલથી ત્રણ વખત વિધાનસભા માટે ચુંટાઈ આવ્યા હતા. તેઓ અમદાવાદમાં શહેર પ્રમુખ તરીકે 2015થી 2021 સુધી ફરજ બજાવી ચૂક્યા છે. તેમના નેતૃત્વમાં જ ભાજપ એમએમસીની 2021ની ચૂંટણી જીત્યો હતો.
જગદીશ પંચાલ OBC સમાજમાંથી આવે છે. સાથે તેમને સંગઠનનો બહોળો અનુભવ પણ છે. અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે કામગીરી સુપેરે નિભાવી છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ તેમની કામગીરી નોંધપાત્ર રહી છે ત્યારે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી હાઇકમાન્ડે જગદીશ પંચાલની પસંદગી કરી છે.મહત્ત્વની વાત એ છે કે જુના જોગીઓ અને બદલે હાઈ કમાન્ડે યુવા નેતાને ગુજરાત ભાજપ ના સુકાની બનાવ્યા છે. આ ઉપરાંત મહત્ત્વની વાત એ છે કે જગદીશ પંચાલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના અતિ વિશ્વાસુ મનાય છે.
જોકે, હાલ ગુજરાતમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા એ પહોંચ્યો છે ત્યારે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકથી આ વિખવાદ શમી જશે.
અમદાવાદનું રાજકીય કદ વધ્યું, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ એક જ શહેરના
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા પહેલા પણ સાથે કામ કરી ચૂક્યા છે. જ્યારે જગદીશ પંચાલ અમદાવાદમાં ભાજપના શહેર પ્રમુખ હતા ત્યારે ભૂપેન્દ્ર પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. બન્ને નેતાઓ સાથે કામ કરી ચૂક્યા છે. પહેલીવાર એવું થયું છે કે અમદાવાદ શહેરનું રાજકીય કદ વધ્યું છે કેમ કે ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી બન્ને એક જ શહેરના છે.




