મોડાસાની એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4નાં મોત, 2 મેડિકલ ઓફિસર-બાળક ભડથું, અમદાવાદ જતાં હતા


મોડાસાની રાણા સૈયદ વિસ્તાર નજીક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ અચાનક આગની લપેટમાં આવતાં ત્રણ લોકોના દુઃખદ મોત થયા છે. રિચ હોસ્પિટલથી એક બાળકને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે માર્ગમાં આ ઘટના બની હતી.
અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક શામળાજી હાઈવે પર રાણાસૈયદ ચોકડી પાસે ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં અચાનક ભીષણ આગ લાગતાં ચાર લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. મોડાસાની એક ખાનગી હોસ્પિટલમાંથી એક દિવસના નવજાત બાળકને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાતું હતું. એમ્બ્યુલન્સમાં બાળક, ડૉક્ટર, નર્સ અને બાળકના સંબંધી સહિત કુલ છ લોકો સવાર હતા. મુસાફરી દરમિયાન એમ્બ્યુલન્સ અચાનક આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી. ચાલક અને બાળકના સંબંધી આગળના ભાગમાં હોવાથી સમયસર બહાર નીકળી જીવ બચાવી શક્યા હતા, પરંતુ પાછળના ભાગે રહેલા ચાર લોકો આગની લપેટમાં આવી ગયા હતા, જેમાં ડૉક્ટર, નર્સ, નવજાત બાળક અને એક અન્ય વ્યક્તિનો ભારે આગ લગવાને કારણે મોત થયા છે. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે બહાર નીકળવાની કોઈ તક જ મળી નહોતી, અને આખી એમ્બ્યુલન્સ સેકન્ડોમાં જ ખાખ થઈ ગઈ હતી.
એમબ્યુલન્સમાં લાગેલી આગની ઘટનાના CCTV દૃશ્યો પણ સામે આવ્યા છે, જેમાં રસ્તા પર દોડતી એમ્બ્યુલન્સ અચાનક જ આગની ચપેટમાં આવી જાય છે. થોડી જ સેકન્ડમાં વાહન આગના ગોળામાં ફેરવાઈ જાય છે, જેને કારણે પાછળ બેસેલા લોકો બહાર આવી શક્યા નહોતાં. ફાયર વિભાગને જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધી મોટી જાનહાનિ થઈ ચૂકી હતી. નવજાત બાળક સાથે બે મેડિકલ પ્રોફેશનલ્સનું એકસાથે મોત સમગ્ર વિસ્તારમાં શોક અને સનસનાટી ફેલાવી રહ્યો છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. એમ્બ્યુલન્સમાં કોઈ ટેક્નિકલ ખામી, શોર્ટ સર્કિટ, વાયરિંગની સમસ્યા અથવા મશીનરીની ખામી જેવા કારણોની સંભાવનાઓ તપાસ હેઠળ છે. પ્રાથમિક તપાસ સૂચવે છે કે આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે કોઈને પ્રતિભાવ આપવા પણ સમય મળ્યો નહોતો. મોડાસા ટાઉન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી દીધો છે અને ફોરેન્સિક ટીમની મદદથી કારણો શોધવા તપાસ શરૂ કરી છે. દુર્ઘટના બાદ હાઈવે પર ટ્રાફિક અવરજવર થોભી ગઈ હતી. આ હૃદયદ્રાવક ઘટનાએ સુરક્ષા સાધનોની વ્યવસ્થા અને એમ્બ્યુલન્સોની સ્થિતિ અંગે પણ પ્રશ્નો ઊભા કર્યા છે.




