GUJARAT

 રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ઈતિહાસ સર્જ્યો, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ટ્વિટ

77મા પ્રજાસત્તાક પર્વના અવસરે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ ફરી એકવાર દેશભરમાં પોતાની અનોખી ઓળખ સ્થાપિત કરી છે. “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” શ્રેણીમાં ગુજરાતે સતત ચોથી વખત પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને એક નવો ઈતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ ગુજરાતની સંસ્કૃતિ, દેશભક્તિ અને સ્વાતંત્ર્યચેતનાનું પ્રતિબિંબ બની છે.

આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ઘણા આનંદની વાત છે કે, 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાએલ રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ઈતિહાસ સર્જ્યો છે. ગુજરાતના ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદેમાતરમ’ થીમ આધારિત ટેબ્લોએ ભારે ઉત્સુકતા અને આકર્ષણ જમાવ્યું હતું. રાષ્ટ્રભક્તિની સાથે રાજ્યના સ્વાતંત્ર્યવીરોના યોગદાનને ઉજાગર કરતા ગુજરાતના ટેબ્લોને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. આ અગાઉ વર્ષ 2023, 2024 અને 2025માં એમ સળંગ ત્રણ વર્ષ ગુજરાતના ટેબ્લોએ આ શ્રેણીમાં પ્રથમ પુરસ્કાર મેળવ્યો છે.ગુજરાતનો ટેબ્લો ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદેમાતરમ’ થીમ પર આધારિત હતો, જે દર્શકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યો. ટેબ્લોમાં દેશપ્રેમ સાથે રાજ્યના સ્વાતંત્ર્યસેનાનીઓના અમૂલ્ય યોગદાનને કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું હતું. લોકોએ તેને દિલથી સ્વીકાર્યો અને તેનું પ્રતિબિંબ મતદાનમાં પણ જોવા મળ્યું.

ટેબ્લોમાં ‘વંદે માતરમ’ ગીતની 150મી વર્ષગાંઠને ખાસ રીતે ઉજવવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રધ્વજની રચના તેની ઐતિહાસિક યાત્રા અને બદલાતી ઓળખને રંગબેરંગી અને જીવંત શૈલીમાં રજૂ કરવામાં આવી હતી. આ રજૂઆત રાષ્ટ્રગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવતી હતી.

ટેબ્લોના આગળના ભાગમાં મેડમ ભિખાજી કામા ‘વંદે માતરમ’ ધ્વજ સાથે નજરે પડતા હતા, જ્યારે પાછળ મહાત્મા ગાંધી ચરખા સાથે સ્વદેશી અને આત્મનિર્ભરતાનો સંદેશ આપતા હતા. સાથે જ રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીના “લાગ્યો કસુંબીનો રંગ” ગીતની ધૂન પર કલાકારોની જીવંત રજૂઆતએ સમગ્ર વાતાવરણને ભાવવિભોર બનાવી દીધું હતું.

“કસુંબીનો રંગ” ગીત સ્વાતંત્ર્ય માટે બલિદાન આપનારા વીર સપૂતોની યાદ અપાવે છે. આ ગીત પર થયેલી પ્રસ્તુતિએ ટેબ્લોમાં જુસ્સો, ગર્વ અને ઊર્જા ભરી દીધી હતી, જે દર્શકોને સીધા હૃદય સુધી સ્પર્શી ગઈ.

ટેબ્લોમાં શ્યામજી કૃષ્ણવર્મા, સરદારસિંહ રાણા અને મેડમ ભિખાજી કામા જેવા ક્રાંતિકારીઓના યોગદાનને પણ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીના ચરખા દ્વારા અપાયેલા સ્વદેશી વિચારને આજના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન સાથે જોડીને બતાવવામાં આવ્યું, જે ટેબ્લોને વધુ અર્થસભર બનાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button