UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, ચીફ જસ્ટિસે કહ્યું- ‘દુરપયોગ થઈ શકે’


સુપ્રીમ કોર્ટમાં UGCના નવા ભેદભાવ વિરોધી નિયમોને પડકારતી જાહેર હિતની અરજી (પીઆઈએલ) પર સુનાવણી થઈ, જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે આ નિયમ સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરે છે અને તેને લઈને દેશવ્યાપી વિરોધ થઈ રહ્યો છે. આ નિયમો ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતા સમિતિઓની રચનાને ફરજિયાત બનાવે છે.
કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી માટે સંમતિ આપીને કહ્યું કે તે કેસની સ્થિતિથી વાકેફ છે. સુપ્રીમ કોર્ટે નવા UGC નિયમોને પડકારતી અરજીઓની સુનાવણી શરૂ કરી. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જ્યોમાલ્યા બાગચીની બેંચે આ મામલે સુનાવણી હાથ ધરી. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી અને કહ્યું કે નવા નિયમો અસ્પષ્ટ છે. કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી અને UGCના નવા નિયમો પર સ્ટે લગાવી દીધો. આ મામલે આગામી સુનાવણી 19 માર્ચે યોજાશે. તેમણે કહ્યું કે નવા આદેશ સુધી 2012માં સૂચિત UGC નિયમો અમલમાં રહેશે.
સુનાવણી દરમિયાન, CJIએ એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું, ‘આઝાદીના 75 વર્ષ પછી પણ, આપણે સમાજને જાતિવાદથી મુક્ત કરી શક્યા નથી. હવે શું આ નવા કાયદાથી આપણે વધુ પાછળ જઈ રહ્યા છીએ?’ અરજદારે કહ્યું કે રેગિંગ થશે, અને રેગિંગ કરનારા વિદ્યાર્થીઓ ફરિયાદ પણ કરશે. ન્યાયાધીશ બાગચીએ કહ્યું કે બંધારણ રાજ્યને SC/ST માટે વિશેષ કાયદા ઘડવાની સત્તા આપે છે. જો 2012ના નિયમોમાં વ્યાપક સુરક્ષાની વાત કરવામાં આવી છે તો શું સામાજિક ન્યાયનું રક્ષણ કરતા કાયદામાં બચાવના ઉપાયો હોવા જોઈએ? આપણે એવા સ્તર પર ન જવું જોઈએ કે જ્યાં આપણે અમેરિકાની જેમ શાળાઓને અલગ કરી દીધી હોય.
અરજદારે UGC નિયમનને રદ કરવાની માંગ કરી અને તાત્કાલિક તેના પર સ્ટે લગાવવાની વિનંતી કરી. અરજદારે જણાવ્યું કે જો અમને પરવાનગી મળે તો આનાથી વધુ સારા નિયમો બનાવીને આપી શકીએ છીએ. ચીફ જસ્ટિસે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે કેટલાક કાનૂની નિષ્ણાતોની સમિતિ આ બાબત પર વિચાર કરે.
અરજદાર તરફથી વિષ્ણુ શંકર જૈને દલીલ શરૂ કરી. જૈને પોતાની દલીલમાં કહ્યું કે આનાથી સમાજમાં ભેદભાવ પેદા થઈ રહ્યો છે. તેમણે નિયમના સેકશન 3Cને પડકાર્યો. વિષ્ણુ જૈને દલીલ કરી કે નોટિફિકેશનની કલમ 3(c)માં SC, ST અને OBCની સામે જાતિ આધારિત ભેદભાવને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. આમાં સામાન્ય વર્ગના સભ્યોને સંપૂર્ણપણે બહાર રાખવામાં આવ્યા છે. આ 3C કલમ 14ને અસર કરે છે અને Eમાં આપેલી વ્યાખ્યા સંપૂર્ણપણે ભેદભાવપૂર્ણ છે.
નવા નિયમોમાં તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતા સમિતિઓની રચના ફરજિયાત છે, જેમાં ઓબીસી, એસસી, એસટી, મહિલાઓ અને અપંગ વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ સામેલ હોવું જોઈએ. ટીકાકારોનો આરોપ છે કે નવા નિયમોમાં સ્પષ્ટ પ્રક્રિયાનો અભાવ છે અને તેનો દુરુપયોગ થવાની સંભાવના છે.
તેમની દલીલ છે કે નવું માળખું ઓબીસી સમુદાયોને સંભવિત પીડિતો માને છે, પણ સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને બહાર રાખે છે, જેના કારણે તેમને ભેદભાવના કાયમી ગુનેગારો ગણાવવામાં આવી રહ્યા છે. આ નિયમો સામે ઘણા રાજ્યોમાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જ્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ખાતરી આપી છે કે નિયમોનો દુરુપયોગ થવા દેવામાં નહીં આવે અને કોઈની સાથે ભેદભાવ નહીં થાય.




