‘પૈસા આપવામાં વિલંબ કેમ થયો?’ 9 કરોડના ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવ પાસે કોર્ટે માંગ્યો જવાબ


કોમેડિયન રાજપાલ યાદવે વિતેલા દિવસોમાં ચેક બાઉન્સ કેસમાં સરન્ડર કર્યું હતું. આ દરમિયાન રાજપાલનું 9 કરોડનું દેવું ચૂકવવામાં મદદ કરવા માટે ઘણા સેલેબ્સ આગળ આવ્યા છે, જેમાં સલમાન ખાન, અજય દેવગન અને સોનુ સૂદ જેવા સ્ટાર્સના નામ સામેલ છે. જોકે, આ મામલે કોર્ટ તરફથી તેમને સખત ઠપકો મળ્યો છે.
બોલિવૂડના સ્ટાર કોમેડિયન રાજપાલ યાદવ ચેક બાઉન્સ કેસમાં ફસાયા છે. આ 9 કરોડના દેવાનો કેસ છે. દેવું ચૂકવવામાં અસમર્થ રહ્યા બાદ રાજપાલે તિહાર જેલના સત્તાધીશો સામે સરન્ડર કરવું પડ્યું હતું. 12 ફેબ્રુઆરીએ કોર્ટમાં તેમની જામીન પર સુનાવણી ચાલી રહી છે, જ્યાં દેવું ન ચૂકવવા બદલ કોર્ટે રાજપાલને ખખડાવ્યા છે.
દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવને પૂછ્યું કે તેઓ સજા રદ કરવાની માંગ કેમ કરી રહ્યા છે? જ્યારે તેઓ પોતે સ્વીકારી ચૂક્યા છે કે તેમણે પૈસા ઉધાર લીધા હતા. કોર્ટે કહ્યું કે, “તમે ગુનો કબૂલ્યો હતો અને કહ્યું હતું કે પૈસા ચૂકવશો. હવે જ્યારે સજા થઈ ગઈ, ત્યારે તમે સજા રોકવાની વાત કરી રહ્યા છો.”
રાજપાલ યાદવના વકીલે કહ્યું- “અમે તે જ તારીખે કહ્યું હતું કે અમે આ મામલો સેટલ કરવા માંગીએ છીએ. રાજપાલે કોર્ટમાં આપેલા પોતાના શબ્દોનું માન રાખવા માટે સરન્ડર કર્યું છે. ફિલ્મમાં જે 5 કરોડની રકમ ઇન્વેસ્ટ કરી હતી, તે તેઓ ચૂકવવા માંગે છે. 3 કરોડથી વધુની રકમ ચૂકવી દેવામાં આવી છે.”
હાઈકોર્ટની ટિપ્પણી
“સમજાતું નથી કે આ ચર્ચા કેમ થઈ રહી છે? તમે અરજી દાખલ કરી હતી. જજે કહ્યું હતું કે તેઓ હસ્તક્ષેપ નહીં કરે. તમે કહ્યું હતું કે પૈસાની ચુકવણી કરશો, પરંતુ વર્ષો સુધી તમે પેમેન્ટ કર્યું નહીં. આદેશની અવગણનાને કારણે તમારે સરન્ડર કરવું પડ્યું. તમે જૂનો ઓર્ડર જુઓ. તમે કહ્યું હતું કે આ જેન્યુઇન ટ્રાન્ઝેક્શન હતું, જેમાં ફિલ્મના પ્રોડક્શનને ફાઇનાન્સ કરવામાં આવ્યું હતું.”
કોર્ટે નોંધ્યું કે તમે સેટલમેન્ટની શક્યતાઓ શોધી રહ્યા હતા. “મને આ મામલે હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ દેખાતું નથી. તમે મીડિયેશન સેન્ટર ગયા, ત્યાં ચુકવણી કરવાનો વાદો કર્યો. તમને 25-30 તકો આપવામાં આવી. હવે શું તમે આ કેસ ફરીથી ઓપન કરવા માંગો છો? તમારે પૈસા આપવામાં વિલંબ કેમ થયો તેની જાણકારી આપવી પડશે. મને તમારી સાથે સહાનુભૂતિ હોઈ શકે છે, પણ કાયદો તો કાયદો છે.”




