Top In Ahmedabad

સેવન્થ ડે સ્કૂલ બબાલમાં પોલીસે 500થી વધુના ટોળા વિરુદ્ધ નોંધી ફરિયાદ, તોડફોડમાં 15 લાખના નુકસાનનો ઉલ્લેખ 

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ગતરોજ થયેલી મારામારી અને તોડફોડ મામલે ખોખરા પોલીસે 500થી વધુના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સ્કૂલના એડમિન મયુરિકા પટેલ આ ફરિયાદ નોંધાવી છે. સ્કૂલમાં ટોળાએ આવીને ઓફિસ, ક્લાસ રૂમ, સ્કૂલ બસના કાચ તોડી, એલ.સી.ડી, કોમ્પ્યુટર તોડીને 15 લાખનું નુકશાન કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સાથે જ ટોળાએ સ્કૂલમાં રહેલ સ્ટાફ સાથે મારામારી કરી હતી. પોલીસની હાજરીમાં ટોળાએ તોડફોડ કરી હતી. ખોખરા પોલીસે રાયોટિંગ, મારામારી, નુકસાન પહોચાડવા જેવી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

બુધવારે વિદ્યાર્થીના મોતના સમાચાર સાંભળ્યા બાદ સવારના પોણાનવ વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો શાળાએ આવી પહોંચ્યા હતા. સવારના 11 વાગ્યા ત્યાં સુધીમાં શાળામાં અંદાજે 2000થી પણ વધુ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. આક્રોશમાં આવેલા લોકો શાળામાં પ્રવેશ્યા અને તોડફોડ શરૂ કરી દીધી હતી. શાળાના પાર્કિંગ એરિયામાં પડેલી બસ, ગાડીઓ અને ટૂ-વ્હીલરને નુકસાન પહોંચ્યું હતું. લોકો એ હદે ઉશ્કેરાઇ ગયા કે સ્ટાફ સાથે પણ મારપીટ કરી હતી.

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે (21 ઓગસ્ટ) મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધમાં આ ત્રણેય વિસ્તારોની 200થી વધુ શાળાઓ જોડાઈ હતી. બંધના એલાનને સવારથી જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્કૂલથી 500 મીટરના અંતર સુધી પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો હતો.

પોલીસની સમજાવટ અને પૂછપરછમાં 10મા ધોરણના વિદ્યાર્થીએ સ્વીકાર્યું કે છેલ્લા એકાદ મહિનાથી સગીર પોતાના ખિસ્સામાં બોક્સ-કટર લઇને બિનધાસ્ત સ્કૂલમાં આવતો હતો. તેણે બોક્સ-કટરથી અન્ય સગીર પર પણ હુમલો કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button