અમદાવાદ એરપોર્ટ પર જોવા જેવી, બે વાર ટ્રાય છતાં ફ્લાઈટ ઉતરી ન શકી, મુસાફરોએ કર્યાં ‘મોતના દર્શન’


અમદાવાદ એરપોર્ટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં મુંબઈથી અમદાવાદ આવી રહેલી અકાસા એરલાઈન્સની એક ફ્લાઈટમાં આજે મુસાફરો માટે સફર અત્યંત તણાવભરી બની ગઈ હતી. વિગતો મુજબ આ ફ્લાઈટનો અમદાવાદ એરપોર્ટ પર બે વખત લેન્ડિંગ કરવાનો પ્રયાસ નિષ્ફળ જતા અંતે વિમાનને જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાએ ફ્લાઈટમાં બેઠેલા મુસાફરોને ભારે ભયમાં મૂકી દીધા હતા.
આ ઘટના આજે 13 જાન્યુઆરી, 2026ના રોજ બની હતી. અકાસા એરની ફ્લાઈટ QP 1781 (બોઇંગ 737 મેક્સ 8) સવારે 8:40 વાગ્યે મુંબઈથી રવાના થઈ હતી અને સવારે 10 વાગ્યે અમદાવાદ પહોંચવાની હતી. પરંતુ અમદાવાદ એરપોર્ટ નજીક પહોંચતા જ વિમાનમાં ટેકનિકલ ખામી અથવા અન્ય પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું.
આ તરફ જ્યારે ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટના રનવે પર ઉતરવાની તૈયારીમાં હતી, ત્યારે પ્રથમ વખત વિમાન ખૂબ જ નજીક પહોંચ્યા બાદ પાયલોટે સલામતીના કારણોસર તેને ફરી ઉંચે ઉડાવ્યું હતું. થોડા સમય પછી બીજો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ફરી એકવાર વિમાન રનવે પર સ્થિર થઈ શક્યું નહીં. આ સતત બે નિષ્ફળ પ્રયાસોથી વિમાનમાં બેઠેલા મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. એક મુસાફરે જણાવ્યું કે, “વિમાન જમીનને બહુ નજીક આવીને ફરી હવામાં જતા અમે બધાં ડરી ગયા હતા.
પરિસ્થિતિ ગંભીર બની જતાં પાયલોટ અને એર ટ્રાફિક કંટ્રોલે કોઈ જોખમ ન લેવાનો નિર્ણય લીધો. ત્યારબાદ ફ્લાઈટને જયપુર એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી. જયપુરમાં વિમાનનું સુરક્ષિત રીતે લેન્ડિંગ થતાં મુસાફરોએ રાહત અનુભવી હતી.




