GUJARAT

ગુજરાતમાં શ્રમ વિધેયક પાસ, મહિલા હોય કે પુરૂષ 12 કલાક કરી શકશે કામ

કારખાના ધારા સુધારા વિધેયક ગૃહમાં બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. કારખાના ધારામાં 6 કલમોમાં સુધારો કરવામાં આવ્યો છે. કામનો સમય, આરામનો સમય, કુલ સમયગાળોનો સમાવેશ થાય છે. ત્રણ મહિનાનો ઓવરટાઈમ સમયગાળો અને મહિલા શ્રમિકો માટે સમયગાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહિલા શ્રમિકોને પૂર્વ મંજૂરી સાથે રાત્રી શિફ્ટમાં કામ કરી શકશે. કામદારો મંજૂરી સાથે 12 કલાક કામ કરી શકશે. સપ્તાહના 48 કલાક કામ કરાવવાનું રહેશે. ત્યાર બાદ જો વધારે કલાક કામ થાય તો તે સરકારી ધારાધોરણ અનુસાર ઓવરટાઇમમાં ગણાશે.

48 કલાક કરતા વધુ સમય કામ કરાવવા માટે મંજૂરી લેવાની રહેશે અથવા તો ઓવરટાઇમ આપવો પડશે. 6 કલાક બાદ 30 મિનિટની રીસેસ કામદારને મળશે. દિવસના 9 કલાક કરતા વધુ સમય અને સપ્તાહના 48 કરતા વધુ સમય કામ માટે વધારાનું વેતન મળશે. સરકાર દ્વારા શ્રમિકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે ન માત્ર શ્રમિકોને કામ ઉપરાંત ઓવરટાઇમનો પણ હક મળશે પરંતુ સાથે સાથે તેઓ પરિવારને પણ વધારે સમય ફાળવી શકશે.

મહિલા શ્રમ યોગીઓના હિતમાં તેમની સલામતી-સ્વાસ્થ્ય સંબંધી શરતોને આધીન રાત્રિપાળીમાં કામે રાખી શકાશે તેવી શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે સ્પષ્ટતા કરી હતી.

કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-2025 વિધાનસભા ગૃહમાં પાસ કરવામાં આવ્યું હતું. શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે વિધાનસભા ગૃહમાં કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક 2025 રજુ કરતા કહ્યું હતું કે, રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા, રાષ્ટ્રીય હિતમાં નવા ઔદ્યોગિક એકમોમાં રોકાણ આકર્ષવું અને રાજ્યમાં વધુ રોજગારી ઉભી કરવા માટે કારખાનાઓને યોગ્ય રાહતો આપવાની સાથે-સાથે શ્રમિકોના હિતનું રક્ષણ કરવામાં આવશે.કારખાના ધારો કેન્દ્ર સરકારનો કાયદો છે. તેમાં મળેલ સત્તાઓ અનુસંધાને માનનીય રાષ્ટ્રપતિની અનુમતિથી રાજ્ય સરકારો પોતાના રાજ્યને લાયક જરૂરી સુધારા કરી શકે છે અને તે સત્તા હેઠળ ખાસ કારખાના જૂથને અથવા વર્ગને દૈનિક કામના કલાકો તથા ઓવરટાઇમના કલાકોની સંખ્યામાં ફેરફાર કરવાની અને રાત્રીપાળીમાં મહિલા શ્રમયોગીઓને કામે રાખવાની પરવાનગી આપવાની સત્તા ગુજરાત સરકારને પ્રાપ્ત થાય તેવી જોગવાઇ કરવાનો આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ છે.

મંત્રી રાજપુતે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સરકારને જરૂરી લાગે તેવી શરતો-ખાસ કરીને મહિલા શ્રમયોગીઓની સલામતી અને સ્વાસ્થ્ય સંબંધી શરતોને ધ્યાને રાખીને આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જ આવી મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આપશે તેવી જોગવાઇ આ વિધેયકમાં કરવામાં આવી છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, આ વિધેયકમાં પેટા કલમના ઉમેરા બાદ 05 કલાક બાદ અડધા કલાકની રીસેસના બદલે 06 કલાક બાદ અડધા કલાકની રીસેસ અને કારખાનાના વર્ગને દિવસ દરમ્યાન આરામ સહિતનો કામનો સમય 12 કલાક સુધી વિસ્તારવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ મજૂર એક દિવસ 9 કલાક અને અઠવાડિયાના 48 કલાક કરતાં વધુ કામ ઓવરટાઈમ કરે તો તેને વધારાનું વેતન મળશે.

મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જે-તે ફેકટરીના વર્ગને જાહેરનામા દ્વારા ખાસ મંજૂરી આપીને જ આ જોગવાઇઓનો અમલ કરાવી શકશે. કાયદામાં લાવેલ સુધારાઓ સરકારની મંજૂરીથી ચોક્કસ કારખાનાના વર્ગને જાહેરનામું બહાર પાડવામાં આવે ત્યારબાદ જ અમલમાં આવશે. આ મંજૂરી પણ કાયમી નથી. સરકાર જેટલા સમય માટે મંજૂરી આપે તેટલા સમય માટે જ આ મંજૂરી અમલી રહેશે તથા સરકાર આપેલી મંજૂરી પરત પણ ખેંચી શકે છે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button