અમદાવાદની એક જ સોસાયટીના 3 પરિવાર ફસાયા નેપાળ હિંસામાં, સંબંધીઓ ટેન્શનમાં


નેપાળમાં સોશિયલ મીડિયા બેન અને ભ્રષ્ટાચાર મુદ્દે ચાલુ થયેલા વિરોધે હવે ખૂબ જ હિંસક રૂપ લીધું છે. નેપાળમાં હાલની પરિસ્થિતિ મુજબ નેપાળના પ્રવાસે ગયેલા લોકોને પરિવારજનો તેમની સાથે સંપર્ક નહીં થઈ શકવાના કારણે ચિંતામાં હતા. પરંતુ હાલ તે તમામ 37 જેટલા ટૂરિસ્ટો સુરક્ષિત હોવાના સમાચાર મળવાથી તેઓ હેમખેમ પરત ફરે તેની રાહ જોઈને તેમના પરિવારજનો બેઠા છે.
નેપાળમાં હાલ અરાજકતા ફેલાઈ ગઈ છે. રાજકીય પરિસ્થિતિ ખુબ જ ડામાડોળ છે. નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને હિંસાને કારણે લગભગ 5000 ભારતીય પ્રવાસીઓ ત્યાં ફસાઈ ગયા છે. નેપાળમાં વિરોધ પ્રદર્શનોને કારણે દેશના વિવિધ ભાગોમાં રસ્તાઓ બંધ છે, તો કેટલાક રસ્તાઓ પર જામને કારણે લગભગ 5000 ભારતીય પ્રવાસીઓ નેપાળમાં ફસાયેલા છે. જેમાં ગુજરાતી પ્રવાસીઓ પણ સામેલ છે. ભારત સરકાર અને ભારતીય દૂતાવાસે આ પરિસ્થિતિને ગંભીરતાથી લીધી છે અને બચાવ કામગીરી શરૂ કરી છે.
નેપાળમાં ચાલી રહેલી હિંસાના કારણે અમદાવાદના અનેક મુસાફરો ફસાઈ ગયા છે. માહિતી મુજબ, અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી આકૃતિ સોસાયટીના એક પરિવારના ત્રણ સભ્યો ફરવા માટે નેપાળ ગયા હતા. તેઓ સહિત અમદાવાદના કુલ 37 જેટલા મુસાફરોની એક ટૂર હાલ નેપાળમાં અટવાઈ ગઈ હતી.
હિંસાની પરિસ્થિતિને કારણે નેપાળમાં ઇન્ટરનેટ સેવા બંધ થઈ જતા છેલ્લા બે દિવસથી પરિવારજનો મુસાફરો સાથે સંપર્ક કરી શકતા ન હતા. જેના કારણે પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ હતી. જોકે આજે મુસાફરોના પરિવારજનોને વિડિયો કોલ દ્વારા વાતચીત થતાં તેઓ ચિંતા મુક્ત બન્યા છે.
ફસાયેલા ગુજરાતીઓ હાલ નેપાળના એક વૃદ્ધાશ્રમમાં રોકાયા છે. તમામ લોકો સુરક્ષિત છે અને બપોર બાદ તેઓ નેપાળ બોર્ડર તરફ જવાના છે. મુસાફરોના પરિવારજનો હવે તેમના પ્રિયજનો હેમખેમ પરત આવે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. હાલની સ્થિતિને ધ્યાનમાં લેતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે કે મુસાફરો સલામત છે.
કાઠમંડુ પોખરા જેવા પર્યટન સ્થળો પર ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પાછા લાવવા માટે કેન્દ્ર સરકારે બચાવ કામગીરી શરૂ કરી છે અને હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા છે. માહિતી પ્રમાણે, અત્યાર સુધીમાં 1000થી વધુ પ્રવાસીઓને સુરક્ષિત રીતે નેપાળથી બહાર કાઢવામાં આવ્યા છે અને બાકીનાને બહાર કાઢવાનું કામ ચાલુ છે. નેપાળમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર સતત કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે.
નેપાળમાં ગુજરાતીઓ ફસાવા મુદ્દે ધારાસભ્ય જીતુ વાઘાણીનું નિવેદન પણ સામે આવ્યું છે. ધારાસભ્ય જીતુ વાઘાણીએ કહ્યું, ભાવનગર અને શિહોરના લોકો ત્યાં ફસાયા હતા. ત્યાં બધા લોકો નેપાળમાં સલામત છે. કેન્દ્ર-રાજ્ય સરકાર તેઓ સલામત ભારત પરત આવે તેવા પ્રયાસો કરી રહ્યા છે. રાજ્ય સરકારનું તંત્ર હાલ આ મુદ્દે કામ કરી રહ્યું છે. નંબરો જાહેર કરવામાં આવ્યા છે. ભારત સરકાર ત્યાંની આર્મી સાથે સંપર્કમાં છે.
ઉલ્લેખનીય છે કે નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવી દીધા બાદ Gen Z દ્વારા ખુબ જ આક્રામક પ્રદર્શન કરવામાં આવ્યું. પ્રદર્શનકારીઓએ આખી સરકાર ઉથલાવી પાડી. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતનાં અનેક નેતાઓએ રાજીનામા આપી દીધા છે. રાજીનામા બાદ પણ જે નેતાઓ લોકોનાં હાથે ચડે તેને માર મારવામાં આવી રહ્યો છે. નેપાળમાં હાલ સ્થિતિ ખુબ જ વિકટ છે. તેવામાં અનેક ગુજરાતીઓ પણ ત્યાં ફસાયેલા છે.




