National

નાગપુરમાં એક ઘરની બાલકનીમાંથી પસાર થતા ફ્લાયઓવરની ચર્ચા, મગજ ચકરાવે ચડી જાય એવું દ્રશ્ય

નાગપુરમાં નવો બંધાતો ફ્લાયઓવર બ્રિજ ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે આ ફ્લાયઓવરનો એક હિસ્સો અશોક ચોક સ્થિત એક મકાનની બાલકનીમાંથી પસાર થાય છે. આ બાલકનીનું દ્રશ્ય સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ દૂર દૂરથી લોકો આ બાલકની જોવા ઉમટવા માંડ્યા છે.

નાગપુરમાં દિગોરી અને ઇંદોરાને જોડતા સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું બાંધકામ આગળ વધી રહ્યું છે. આ બ્રિજનો એક ભાગ અશોક ચોકમાં રહેતા પ્રવીણ પત્રેના મકાનની બાલકનીની અંદરથી પસાર થાય છે. આમ છતાં પત્રેને કોઇ જ વાંધો નથી.

મકાન માલિકે કહ્યું હતું કે ફ્લાયઓવર બ્રિજનું બાંધકામ શરૂ થયું એ પહેલાં સંબંધિત વિભાગ તરફથી સૂચના આપવામાં આવી હતી કે બ્રિજનો ભાગ બાલકનીમાંથી પસાર થશે ત્યારે પણ મેં કોઇ વાંધો નહતો ઉઠાવ્યો. કારણ કે જે બાલકનીમાંથી બ્રિજ પસાર થાય છે એ યુટીલીટી એરિયા નથી. બીજું સુરક્ષાની પણ કોઇ ચિંતા નથી. પત્રેની દીકરી સૃષ્ટી પત્રેએ જણાવ્યું હતું કે ફ્લાયઓવર બંધાઇ જશે ત્યાર પછી નોઇઝ રિડક્શન માટેની જોગવાઇ કરશું.દિગોરી-ઇંદોરા રૂટ પર 9.2 કિલોમીટર લાંબો આ ફ્લાયઓવર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની દેખરેખમાં 998 કરોડના ખર્ચે બાંધવામાં આવી રહ્યો છે.

આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નાગપુરના પ્રોજેક્ટ ડિરેક્ટર સિંહાનો સંપર્ક સાધવામાં આવતા તેમણે સ્પષ્ટતા કરી હતી જે મકાનની બાલકનીમાંથી ફ્લાયઓવરનો હિસ્સો પસાર થાય છે એ બાલકની ગેરકાયદે બંધાવેલી છે. એટલે અમે આ બાબતમાં નાગપુર મહાનગરપાલિકાને પત્ર લખી અનધિકૃત બાલકની વિશે જાણ કરી છે. આ ગેરકાયદે બાલકની હટાવવાની જવાબદારી મહાપાલિકાની છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button