National

PM મોદીએ 25 વર્ષ પહેલાની તસવીરો કરી શેર, 7 ઓકટોબર અને ગુજરાત સાથેનો નાતો કર્યો યાદ

આજથી બરાબર 24 વર્ષ પહેલાં, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. આ પહેલી તક હતી કે જ્યારે નરેન્દ્ર મોદીએ સરકારનો હવાલો સંભાળ્યો હતો. ત્યારથી લઈને આજ સુધી તેઓ દેશમાં બંધારણીય પદ સંભાળી રહ્યા છે. 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી, આ પછી તેઓ ત્રણ વખતથી વડાપ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ આ 25 વર્ષની સફરને યાદ કરી છે.

મંગળવારે, વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને તેમના શપથ ગ્રહણની યાદ અપાવી. તેમની પોસ્ટમાં, પીએમ મોદીએ લખ્યું કે દેશવાસીઓના સતત આશીર્વાદથી, તેઓ સરકારના પ્રમુખ તરીકે 25મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું,

“2001માં આજના જ દિવસે, મેં પહેલી વાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. દેશવાસીઓના સતત આશીર્વાદથી, હું સરકારના વડા તરીકે મારી સેવાના 25મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું. ભારતના લોકોનો હું આભાર માનું છું. આ વર્ષો દરમિયાન, મારા સતત પ્રયાસો રહ્યા છે કે આપણા લોકોનું જીવન વધુ સારું બને અને આ મહાન રાષ્ટ્રની પ્રગતિમાં ફાળો આપે કે જેણે આપણને બધાનો ઉછેર કર્યો છે.”

તેમણે આગળ લખ્યું કે મારી પાર્ટીએ મને અત્યંત પડકારજનક પરિસ્થિતિઓમાં ગુજરાતના મુખ્યમંત્રીની જવાબદારી સોંપી હતી. તે જ વર્ષે, રાજ્ય એક વિનાશક ભૂકંપનો સામનો કરી રહ્યું હતું. પાછલા વર્ષોમાં એક સુપર સાયક્લોન, સતત દુષ્કાળ અને રાજકીય અસ્થિરતા જોવા મળી હતી. આ પડકારોએ લોકોની સેવા કરવા અને જવા જોશ અને આશા સાથે ગુજરાતના પુનઃનિર્માણના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો.

“જ્યારે મેં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે મને યાદ છે કે મારી માતાએ મને કહ્યું હતું કે, “મને તારા કામ વિશે વધુ સમજ નથી, પરંતુ હું ફક્ત બે જ વસ્તુ ઇચ્છું છું. પહેલી તમે હંમેશા ગરીબો માટે કામ કરજો અને બીજું, તમે ક્યારેય લાંચ નહીં લો.” મેં લોકોને પણ એમ જ કહ્યું હતું કે હું જે પણ કરીશ, તે હું ઉમદા ઇરાદા સાથે કરીશ અને લાઈનમાં ઉભેલા છેલ્લા વ્યક્તિની સેવા કરવાના વિઝનથી પ્રેરિત થઈશ.”

પીએમ મોદીએ લખ્યું કે આ 25 વર્ષ ઘણા અનુભવોથી ભરેલા રહ્યા છે. સાથે મળીને, આપણે નોંધપાત્ર પ્રગતિ કરી છે. મને આજે પણ યાદ છે કે જ્યારે મેં મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું, ત્યારે એવું માનવામાં આવતું હતું કે ગુજરાત ક્યારેય આગળ વધી શકશે નહીં. ખેડૂતો સહિત સામાન્ય નાગરિકો વીજળી અને પાણીની અછતની ફરિયાદ કરતા હતા. કૃષિ મંદીની ઝપેટમાં હતી, અને ઔદ્યોગિક વિકાસ ઠપ હતો. ત્યારથી, આપણે બધાએ સાથે મળીને ગુજરાતને સુશાસનનું કેન્દ્ર બનાવવા માટે કામ કર્યું.

વડાપ્રધાન મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે વર્ષ 2013માં, મને લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામ આવ્યો. તે દિવસોમાં દેશ વિશ્વાસ અને શાસનના સંકટનો સામનો કરી રહ્યો હતો. તત્કાલીન યુપીએ સરકાર ભ્રષ્ટાચાર, ભાઈ-ભત્રીજાવાદ અને નીતિગત લકવાના સૌથી ખરાબ સ્વરૂપોનો પર્યાય બની ગઈ હતી. ભારતને વૈશ્વિક વ્યવસ્થામાં એક નબળી કડી તરીકે જોવામાં આવતું હતું. જોકે, ભારતના લોકોની સમજણને લીધે અમારા ગઠબંધનને જબરદસ્ત બહુમત મળ્યો અને એ પણ ખાતરી થઈ કે અમારા પક્ષને ત્રણ દાયકામાં પહેલી વખત પૂર્ણ બહુમત મળે.વડાપ્રધાન મોદીએ પણ પોતાની પોસ્ટમાં દેશવાસીઓને શુભકામનાઓ પણ પાઠવી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, “હું ફરી એકવાર ભારતના લોકોનો તેમના સતત વિશ્વાસ અને પ્રેમ માટે આભાર માનું છું. મારા પ્રિય રાષ્ટ્રની સેવા કરવી એ સર્વોચ્ચ સન્માન છે, એક એવી ફરજ છે જે મને કૃતજ્ઞતા અને ઉદ્દેશ્યથી ભરી દે છે. આપણા બંધારણના મૂલ્યોને મારા સતત માર્ગદર્શક તરીકે રાખીને, હું આવનારા સમયમાં વિકસિત ભારતના આપણા સામૂહિક સપનાને સાકાર કરવા માટે વધુ સખત મહેનત કરીશ.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button