PM મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે, બાયરોડ કેવડિયા જવા રવાના


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસીય ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેમણે લોકોનું અભિવાદન સ્વીકાર્યું અને બાદમાં PM મોદી બાયરોડ કેવડિયા તરફ રવાના થયા. તેમની આ મુલાકાત મુખ્યત્વે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને સમર્પિત છે. પ્રધાનમંત્રી મોદી 31 ઑક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડમાં વિશેષ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે દેશભરમાંથી આવેલા દળો એકતા અને અખંડતાનો સંદેશ આપશે.
કેવડિયામાં તેમના રોકાણ માટે સર્કિટ હાઉસના VVIP રૂમમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાની દૃષ્ટિએ SPG તેમજ સ્થાનિક પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તાર સુરક્ષાના કડક બંદોબસ્ત હેઠળ રાખવામાં આવ્યો છે. પરેડ અને કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી મોદીએ સીધા વડોદરા એરપોર્ટથી દિલ્હી માટે રવાના થવાનું છે. આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીના હાથેથી અનેક મહત્વપૂર્ણ યોજનાઓના સમીક્ષા તેમજ વિકાસકાર્યોની ચર્ચા થવાની પણ શક્યતા છે. ગુજરાતના લોકોમાં આ પ્રવાસને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તા. 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે. જેને લઈ એકતાનગર-કેવડિયા કોલોની ખાતે રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા પરેડ કાર્યક્રમમાં હાજર રહેશે. તેમજ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, સાંસદ હેમાંગ જોષી સહિત ધારાસભ્યો, વડોદરા મહાનગર પાલિકાના કાઉન્સિલરો સહિત 500 જેટલા કાર્યકરો કેવડિયા જશે.કેવડિયામાં વડાપ્રધાન મોદી સર્કિટ હાઉસના VVIP રૂમમાં રોકાણ કરશે. જેને પગલે સુરક્ષાના કારણોસર હાલ સર્કિટ હાઉસને ખાલી કરી દેવામાં આવ્યું છે, ત્યાં હાલ SPG તૈનાત કરી દેવામાં આવી છે. કેવડિયામાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે વડોદરા એરપોર્ટ પર આવશે અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે.




