વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ પર ધનવર્ષા, BCCIએ 51 કરોડના ઈનામની કરી જાહેરાત


ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 2025 વન-ડે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો હતો. 2 નવેમ્બર, રવિવારના રોજ નવી મુંબઈમાં ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે યોજાયેલી ફાઇનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવ્યું. ભારતીય મહિલા ટીમે પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું.
ભારતીય ટીમની જીત બાદ ઇનામોનો વરસાદ થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ખેલાડીઓ અને ટીમ સપોર્ટ સ્ટાફ માટે એક મોટી જાહેરાત કરી છે. BCCI ભારતીય ટીમને 51 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. BCCI સચિવ દેવજીત સૈકિયાએ આ વાતની પુષ્ટી કરી હતી. આ પહેલી વાર છે જ્યારે ભારતીય મહિલા ટીમને આટલી ઈનામી રકમ મળશે.
દેવજીત સૈકિયાએ સમાચાર એજન્સી ANI ને જણાવ્યું હતું કે, “કપિલ દેવે 1983 માં ભારતને વર્લ્ડ કપમાં લઈ જઈને ભારતીય ક્રિકેટને નવી ઉર્જા અને પ્રેરણા આપી. હવે, હરમનપ્રીત કૌર અને તેની ટીમે તે જ ઉત્સાહ ફરીથી જગાડ્યો છે.” તેમણે માત્ર ટ્રોફી જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રના દિલ પણ જીતી લીધા.
દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે આ જીત ભારતમાં મહિલા ક્રિકેટના ભવિષ્યને નવી દિશા આપશે અને ખેલાડીઓની આગામી પેઢીને પ્રેરણા આપશે. તેમણે ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) ના અધ્યક્ષ અને BCCI ના ભૂતપૂર્વ સચિવ જય શાહનો મહિલા ખેલાડીઓ માટે જરૂરી પગલાં લેવા બદલ આભાર માન્યો હતો.
દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે, “જય શાહના નેતૃત્વમાં મહિલા ક્રિકેટમાં મોટા ફેરફારો થયા છે. પગાર સમાનતા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. તાજેતરમાં મહિલા વર્લ્ડ કપ માટે ઈનામી રકમ 300 ટકા વધારીને 2.88 મિલિયન ડોલરથી લગભગ 14 મિલિયન ડોલર કરવામાં આવી છે. આ પગલાંથી મહિલા ક્રિકેટને નોંધપાત્ર પ્રોત્સાહન મળ્યું છે. BCCI એ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ માટે 51 કરોડ રૂપિયાના ઈનામોની પણ જાહેરાત કરી છે.”
ભારતીય ટીમને ટાઈટલ જીતવા બદલ ICC તરફથી 4.48 મિલિયન ડોલર (આશરે 40 કરોડ રૂપિયા) ની ઈનામી રકમ પણ મળી હતી જે ક્રિકેટ ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ઈનામી રકમ છે. મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 માટે ICC એ 13.88 મિલિયન ડોલર (આશરે 123 કરોડ રૂપિયા) ની ઇનામી રકમનું વિતરણ કર્યું, જે 2022 વર્લ્ડકપ માટે આપવામાં આવેલી રકમ કરતાં લગભગ ત્રણ ગણી છે.



