સ્કૂલ-કોલેજ, હોસ્પિટલથી રખડતા કૂતરાઓને હટાવો:હવેથી જાહેર રસ્તાઓ પર રખડતા શ્વાનને No Entry,ગુજરાત સહિત તમામ રાજ્યોને સુપ્રીમ કોર્ટનો કડક નિર્દેશ


રખડતા કૂતરાના મામલે સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે ત્રણ આદેશો આપ્યા છે. કોર્ટે કહ્યું છે કે એમિકસ ક્યુરીના રિપોર્ટ પર રાજ્ય કામ કરે અને એફિડેવિટ દાખલ કરે. બીજા આદેશમાં, કોર્ટે કહ્યું કે રખડતા પ્રાણીઓ અંગે રાજસ્થાન હાઇકોર્ટના આદેશનો દેશભરમાં અમલ કરવામાં આવે. રખડતા પશુઓને હાઇવે અને રસ્તાઓ પરથી હટાવીને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવે. મ્યુનિસિપલ કોર્પોરેશનોએ પેટ્રોલિંગ ટીમો બનાવીને 24 કલાક દેખરેખ રાખવી. કોર્ટે હેલ્પલાઇન નંબર જારી કરવાનો પણ આદેશ આપ્યો છે.
ત્રીજા આદેશમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓ, સ્પોર્ટ્સ સંકુલ, હોસ્પિટલો, બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનોમાં વાડ કરીને અથવા અન્ય પગલાં લઈને રખડતા કૂતરાઓને પ્રવેશતા અટકાવે. ત્યાં રખડતાં કૂતરાને ન રહેવા દે. તેમનું રસીકરણ અને નસબંધી પછી તેમને શેલ્ટર હોમમાં રાખવામાં આવે. કોર્ટે આઠ અઠવાડિયામાં આ આદેશનો અમલ કરવા કહ્યું છે.
11 ઓગસ્ટના રોજ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે કૂતરા કરડવાની ઘટનાઓ પર કડક વલણ અપનાવીને દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં બધા રખડતા કૂતરાઓને શેલ્ટર હોમમાં બંધ કરવાનો આદેશ આપ્યો હતો. પ્રાણી પ્રેમીઓ આનો વિરોધમાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અને ચીફ જસ્ટિસ સામે આ મામલો રજૂ કર્યો, જે પછી આ મામલો ત્રણ ન્યાયાધીશોની બેન્ચને મોકલવામાં આવ્યો.
ત્રણ જજોની બેન્ચે, અગાઉના આદેશને ઉલટાવીને, દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓને પકડીને નસબંધી કરીને અને રસીકરણ કરવાનો અને તેમને તેમના વિસ્તારોમાં પાછા છોડવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કોર્ટે 22 ઓગસ્ટના રોજ, કોર્ટે સુનાવણીનો વ્યાપ વિસ્તાર્યો, વિવિધ હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસોને પોતાની પાસે ટ્રાન્સફર કરી લીધા અને રાજ્યોને સોગંદનામા દાખલ કરવા કહ્યું, પરંતુ જો કે, બે મહિનામાં ફક્ત બે રાજ્યોએ જ સોગંદનામા દાખલ કર્યા.
જજોએ આ વાત પર આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તેમની નોટિસના જવાબમાં બે રાજ્યો સિવાય કોઈએ સોગંદનામા દાખલ કર્યા નથી. દિલ્હી સરકારે પણ સોગંદનામુ દાખલ કર્યું નથી. ફક્ત એમસીડી (દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન)એ જ તે દાખલ કર્યું છે.
27 ઓક્ટોબરના રોજ સુનાવણી દરમિયાન, કોર્ટે જણાવ્યું કે દેશભરમાં કૂતરા સંબંધિત ઘટનાઓ સતત બની રહી છે. વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરડાઈ રહી છે. એવામાં રાજ્ય સરકારોનું બેદરકાર વલણ ખોટું છે. રાજ્યો દ્વારા તેમના જવાબો દાખલ કરવામાં નિષ્ફળતા પર નારાજગી વ્યક્ત કરતા, કોર્ટે કહ્યું કે શું રાજ્યના અધિકારીઓ અખબારો વાંચતા નથી કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા નથી? જો આદેશની નકલ તેમના ડેસ્ક સુધી પહોંચી નથી, તો પણ તેઓ આ મહત્ત્વપૂર્ણ બાબતથી વાકેફ હશે.




